સુપ્રીમ એક સાથે 40 અરજીઓની સુનાવણી કરશે
પેપર લીકની અસર મોટા પ્રમાણમાં થઇ હશે તો ફરી પરીક્ષાના સુપ્રીમે સંકેતો આપ્યા હતા
નવી દિલ્હી: નીટ-યુજીની પરીક્ષાના કથિત પેપર લીક વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે. સુપ્રીમ કોર્ટ આ અરજીઓની ગુરુવારે ફરી સુનાવણી કરશે. સુપ્રીમની વેબસાઇટ મુજબ ગુરુવારે ૧૮મી તારીખે મુખ્ય ન્યાયાધીશની આગેવાનીમાં ગઠીત બેંચ નીટ વિવાદ મુદ્દે થયેલી આશરે ૪૦ જેટલી અરજીઓની સુનાવણી કરશે.
મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે આ વર્ષે લેવાયેલી નીટ-યુજીની પરીક્ષાનું પેપર લીક થયાના અનેક અહેવાલો સામે આવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટમાં ફરી પરીક્ષા યોજવા સહિતની માગણીઓ સાથે અનેક અરજીઓ થઇ છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થયું છે તે વાત નકારી ના શકાય. પણ પેપર લીક થવાનું પ્રમાણ કેટલુ છે અને કેટલા લોકો સુધી તે પહોંચ્યું છે. જો વ્યાપક પ્રમાણમાં લીક પેપર પહોંચ્યું હશે તો ફરી પરીક્ષા યોજવી પડશે. ૧૧મીએ સુનાવણી બાદ મામલાને ૧૮મી માટે મુલતવી રાખવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમમાં નવુ સોગંદનામુ દાખલ કરવામાં આવ્યું હતું, જેમાં સ્પષ્ટતા કરાઇ છે કે વર્ષ ૨૦૨૪-૨૫ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયા જુલાઇ મહિનાના ત્રીજા સપ્તાહથી ચાર રાઉન્ડમાં શરૂ કરવામાં આવશે. પાંચ મેના રોજ યોજાયેલી નીટ-યુજીની પરીક્ષામાં ૨૩.૩૩ લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા, કેન્દ્ર અને એનટીએએ સુપ્રીમને જણાવ્યું હતું કે વ્યાપક પ્રમાણમાં પેપર લીકની અસરના કોઇ પુરાવા વગર જ પરીક્ષાને રદ કરી દેવામાં આવી તો તેની અસર લાખો પ્રામાણિક વિદ્યાર્થીઓ પર થઇ શકે છે. હવે ગુરુવારે સુપ્રીમ કોર્ટ આ મામલે આગળ સુનાવણી કરશે.