– આક્રમકતાથી ચૂંટણી લડવા આહવાન
– કાર્યકરોની વાતો પર ધ્યાન આપવા અને બૂથ મજબૂત બનાવવા પર ભાર મૂકાયો
લખનઉ: યુપીમાં સીએમ યોગી આદિત્યનાથે આગામી દસ બેઠકોની પેટાચૂંટણી માટે મોરચો સંભાળી લીધો છે. તેમણે બુધવારે દરેક ક્ષેત્રના આગેવાનોની બેઠકમાં જણાવ્યું કે કાર્યકરોની નારાજગી દૂર કરો અને વિપક્ષે ફેલાવેલો ભ્રમ તોડો તથા પૂરી આક્રમકતાથી ચૂંટણી લડો.
યોગી આદિત્યનાથે આ ઉપરાંત રાજ્યપાલ આનંદીબેન સાથે પણ મુલાકાત કરી હતી. તેના લીધે રાજ્યના મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવે તેવી અટકળોએ પણ વેગ પકડયો છે. જો કે સત્તાવાર રીતે તો આને શિષ્ટાચાર બેઠક કહેવામાં આવે છે
પક્ષમાં ચાલતા આંતરિક ખટરાગની વચ્ચે યોગી આદિત્યનાથે સરકારી નિવાસ્થાને પેટાચૂંટણીને લઈને પ્રભારી બનાવવામાં આવેલા મંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેમણે મંત્રીઓ સામે તેમની રણનીતિ સ્પષ્ટ કરી દીધી હતી.
તેમનું ફોક્સ ત્રણ બાબત પર હતુ. એક તો કાર્યકરોને મનાવો. તેમને સમ્માન આપો. તેમના અભિપ્રાયોને સાંભળો. બીજું ડબલ એન્જિનની સરકારની નીતિઓ લોકો સુધી લઈ જાવ. વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમને દૂર કરો. તેમણે જણાવ્યું હતું કે કાર્યકરો સાથે ફક્ત સંવાદ જ ન કરો, પણ તેમની નારાજગી દૂર કરો. બૂથો પર સ્થિતિ મજબૂત કરો. આ માટે વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરો. વિકાસ યોજનાઓ, રોજાગાર સાથે જોડાયેલા કાર્યક્રમો અંગે યુવાનો અને સામાન્ય લોકોને જણાવો. રાષ્ટ્રવાદની ભાવના પેદા કરો. યુપીમાં જે દસ બેઠકોની પેટાચૂંટણી થવાની છે. તેમાથી પાંચ ભાજપની અને પાંચ સપાની છે.