અમદાવાદ,બુધવાર,17 જુલાઈ,2024
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટી વિસ્તારમાં બે
મહિના પહેલા બનાવવામાં આવેલી ફૂટપાથ તોડી પાડવામાં આવી છે.મ્યુનિસિપલ
કોર્પોરેશનના અધિકારીઓએ પહેલા ફૂટપાથ બનાવી પછી તેને તોડવા પાછળ ખર્ચ કરી
લોકોએ ભરેલા પ્રોપર્ટીટેકસના નાણાંનો વ્યય કર્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર દ્વારા સાયન્સ સિટી
વિસ્તારમાં મોડેલ રોડના નામે આકર્ષક ફૂટપાથની ડિઝાઈન તૈયાર કરી બનાવવામાં આવી
હતી.ફૂટપાથ બનાવવામાં આવ્યા બાદ કોઈ અધિકારી કે નેતાને પસંદ નહીં આવતા હવે તેને
તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.મોડેલ રોડ અને આકર્ષક ડિઝાઈનના નામે લોકોને
આંજી દેવા માટે મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે.પરંતુ ગણતરીના મહિનામાં જ ડિઝાઈન
ફોલ્ટી હોવાનુ કારણ આગળ ધરીને ફૂટપાથ તોડી
પાડવી પડે એ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલુ અણઘડ આયોજન જ
કહેવાય.સ્થાનિકોની માંગ મુજબ,
વિચાર્યા વગર તૈયાર કરેલી ફૂટપાથ પાછળ મોટી રકમનો ખર્ચ કરાયો.વધુ પડતી
પહોળી આ ફૂટપાથને તોડી તેને નવી બનાવવા
ખર્ચ કરવામા આવશે.આ તમામ ખર્ચ જે તે અધિકારીના પગારમાંથી વસૂલ કરવો જોઈએ.