– રખડતા પશુઓની સમસ્યા વકરી
– ગાયોના કારણે વારંવાર સર્જાતા અકસ્માત છતાંય પાલિકા તંત્ર નિષ્ક્રિય, લોકો જીવ ગુમાવી રહ્યા છે
નડિયાદ નગરપાલિકા હદ વિસ્તારમાં રખડતા ઢોરો મામલે તંત્રની ઢીલી કામગીરી નગરજનો માટે મુસિબત નોતરશે, તેવા દ્રશ્યો જાહેર માર્ગો પર દેખાઈ રહ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ખાસ કરીને નડિયાદ નગરપાલિકાનો રખડતા ઢોરો મામલે ઉધડો લીધો હતો અને ખૂબક કડક ભાષામાં સૂચનો કર્યા હોવા છતાં નડિયાદમાં હજુ સુધી કોઈ ફેર પડયો નથી. જે-તે સમયે માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી અને તંત્રએ રીપોર્ટ સબમીટ કરી અને બચાવ કરી લીધો હતો, પરંતુ નડિયાદ શહેરમાં પુનઃ રખડતા ઢોરોઅ નાગરિકો માટે મુસીબતરૂપ બન્યા છે.નડિયાદના જાહેર માર્ગો પર રખડતા ઢોરોએ અડ્ડો જમાવ્યો છે. એટલુ જ નહીં, ખુદ નગરપાલિકાના મુખ્ય ગેટની બહારના જાહેર રસ્તા પર જ ગાયોએ અડ્ડો જમાવેલો હોય છે. આ તરફ શહેરના કપડવંજ રોડ, સ્ટેશન રોડ, સંતરામ રોડ, પારસ સર્કલ, પીજ રોડ, પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર સ્કૂલના રોડ પર, મિશન રોડ, પવનચક્કી રોડ, મરીડા ભાગોળથી કબ્રસ્તાન ચોકડી, મહાગુજરાત રોડ, શીતલ ગ્રાઉન્ડ સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે. જે-તે સમયે હાઈકોર્ટમાં ચાલી રહેલી કન્ટેમ્પ્ટ પીટીશન વખતે રખડતા ઢોરો મામલે નડિયાદ નગરપાલિકા કોઈ ચોક્કસ એક્શન પ્લાન વગર માત્ર હાઈકોર્ટમાં રીપોર્ટ સબમીટ કરવાના હેતુથી કાગળ પર સમસ્યાનું સમાધાન થઈ ગયુ હોવાનો રીપોર્ટ તૈયાર કરી આર.સી.એમ. કચેરીને મોકલ્યો હતો. જે રીપોર્ટ આર.સી.એમ. કચેરીએ હાઈકોર્ટમાં રજૂ કર્યો. આ રીપોર્ટ રજૂ કર્યો હતો. જે રીપોર્ટ રજૂ કરતાની સાથે જ તે જ દિવસના નડિયાદમાં રખડતા ઢોરના લાઈવ ફોટોગ્રાફ્સ, બિસ્માર રસ્તાના ફોટોગ્રાફ્સ જાહેરહિતની અરજી કરનારા અને આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ મૌલિકકુમાર શ્રીમાળી દ્વારા રજૂ કરી દેવાયા હતા. જેથી હાઈકોર્ટે તેની ગંભીર નોંધ લઈ સરકારને પ્રાથમિક સુવિધાઓ અને રખડતા ઢોર મામલે નડિયાદની સ્થિતિ ખૂબ ગંભીર છે અને તેનું ખાસ ધ્યાન રાખવા ટકોર કરી હતી.