– 40 લાખ રૂપિયા લઈ ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો
– અસહ્ય ત્રાસ અને પઠાણી ઉઘરાણીના કારણે યુવાને આઠ માસથી ઘર છોડયું, આખરે તળાજાના રોયલ ગામે જઈ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પાલિતાણાના બારપરા, ગાયત્રી મંદિર પાસે રહેતા શંભુભાઈ લાલજીભાઈ ચૌહાણ (ઉ.વ.૫૨)ના પુત્ર સુરેશભાઈ ઉર્ફે સંજય ઉર્ફે ઘુઘો નામના યુવાનને ડોમ મંડપ સવસના ધંધામાં ખોટ જતાં તેમણે એકાદ વર્ષ પહેલા તેમની શેરીમાં રહેતો લખધીરસિંહ પ્રવીણસિંહ જાડેજા નામના શખ્સ સાથે ભાગીદારીમાં ધંધો કરવાનું નક્કી કર્યું હતું અને તેની પાસે ધંધા માટે રૂા.૪૦ લાખ લઈ ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો. દરમિયાનમાં પૈસા બાબતે બન્ને ભાગીદાર વચ્ચે ઝઘડો થતા લખધીરસિંહે તેના પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ સુરેશભાઈ પાસે પૈસાની વ્યવસ્થા ન હોવા છતાં શખ્સે અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હતો. જેનાથી કંટાળી જઈ યુવાન આઠ માસ પૂર્વે ઘરેથી નીકળી ગયો હતો. દરમિયાન લખધીરસિંહ અને તેનો ભાઈ વિરેન્દ્રસિંહ જાડેજા અવાર-નવાર સુરેશભાઈના પિતા શંભુભાઈ પાસે આવીને તેમના દિકરા બાબતે પૂછપરછ કરી રૂપિયા પાછા નહિ આપે તો સુરેશને જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપતા હતા.
દરમિયાન ગત તા.૧૫-૭ના રોજ સાંજના સમય તળાજા તાલુકાના રોયલ ગામ પાસે આવેલ કાગબાઈ માતાજીની ધાર પાસે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે પ્રથમ તળાજાની ખાનગી અને બાદમાં પાલિતાણા સરકારી દવાખાને લઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક સુરેશભાઈના પિતા શંભુભાઈ લાલજીભાઈ ચૌહાણે તેમના દિકરાને મરવા મજબૂર કરનાર બન્ને ભાઈલખધીરસિંહ પ્રવિણસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે બી.એન.એસ.ની કલમ ૧૦૮, ૩૫૧ (૨) અને ૫૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, બે શખ્સે પુત્રને મરવા મજબૂર કરતા પોલીસ ફરિયાદની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ નનૈયો ભણ્યો હતો.
મોટા બનેવીને ફોન કરી ઝેરી દવા પી લીધાનું કહ્યું
૪૦ લાખની ઉઘરાણી અને મારી નાંખવાની ધમકીના કારણે આઠ માસથી ઘર છોડીને જતા રહેલા યુવાને તળાજાના રોયલ-હબુકવડ ગામ વચ્ચે આવેલ કાગબાની ધાર નીચે બસ સ્ટેન્ડ પાસે લીંમડાની નીચે બેસી ઝેરી દવા પી લીધા બાદ સુરેશભાઈએ અજાણ્યા નંબર પરથી ભદ્રાવળ નં.૧ ગામે રહેતા તેમના મોટા બનેવી રણજીતભાઈ નરશીભાઈ વાળાને ફોન કરી ઝેર પીધાની જાણ કરી દવાખાને લઈ જવાનું કહીં ફોન મુકી દીધો હતો. જેથી રણજીતભાઈ અને તેમના પત્ની ઉષાબેન ઈક્કો ગાડી લઈ દોડી ગયા હતા અને યુવાનને હોસ્પિટલ લઈ ગયા હતા. વધુમાં મૃતક યુવાન પાંચ બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો. તેમજ તેમને સંતાનમાં બે દિકરા હોય, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે.