નવી દિલ્હી : જેપી મોર્ગન ઈન્ડેક્સમાં ભારતીય ઋણનો સમાવેશ કર્યા પછી સંપૂર્ણ સુલભ માર્ગ (FAR) હેઠળ નિયુક્ત ભારતીય સરકારી સિક્યોરિટીઝમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ (એફપીઆઈ) બમણું થઈને રૃ. ૨ લાખ કરોડ પહોંચ્યું છે તેમ ક્લિયરિંગ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે.
૧૬ જુલાઈ સુધીના ડેટા અનુસાર, સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ સિક્યોરિટીઝમાં કુલ રૃ. ૧.૯૩ લાખ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ સુધીમાં કુલ રોકાણ રૃ. ૯૪,૭૦૯ કરોડ હતું. સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ સિક્યોરિટીઝમાં એફપીઆઈ રોકાણ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ રૃ. ૧ લાખ કરોડના આંકડાને પાર કરી ગયું હતું.
આ ઇન્ડેક્સમાં માત્ર ભારતીય રિઝર્વ બેંક દ્વારા સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ જારી કરાયેલા ભારત સરકારના બોન્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ પછી પાકતા ખછઇ ચિહ્નિત ભારત સરકારના બોન્ડ પાત્ર છે. બજારના હિસ્સેદારોએ જણાવ્યું હતું કે રોકાણનો પ્રવાહ ચાલુ રહેવાની અને સંભવતઃ આગામી ૫ થી ૬ મહિનામાં રૃ. ૨.૫ લાખ કરોડના આંકને સ્પર્શે તેવી શક્યતા છે.
જાણકાર સુત્રોએ જણાવ્યું હતું કે, જેપી મોર્ગન ઇન્ડેક્સમાં સમાવેશને કારણે રોકાણ બમણું થયું છે. સમાવેશની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ વાસ્તવિક પ્રવાહમાં વધારો થયો છે એટલું જ નહીં, સમાવેશની જાહેરાત કરવામાં આવી ત્યારથી જ આવકનો પ્રવાહ શરૃ થયો છે, તેમણે ઉમેર્યું હતું કે, જે ગતિએ ભંડોળ આવી રહ્યું છે તે આગામી ૫-૬ મહિના સુધી ચાલુ રહેશે અને આપણે રૃ. ૨.૫ લાખ કરોડના આંકડાને સ્પર્શી શકીએ છીએ.
જેપી મોર્ગન સપ્ટેમ્બર ૨૦૨૩ માં જાહેરાત કરી હતી કે તે આ વર્ષે ૨૮ જૂનથી શરૃ થતા તેના ઇન્ડેક્સમાં સંપૂર્ણ સુલભ માર્ગ હેઠળ ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલા સરકારી બોન્ડનો સમાવેશ કરાશે. આગામી મહિનાઓમાં રોકાણની આ ગતિ ચાલુ રહે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. ઈન્ડેક્સ વેઈટીંગ દર મહિને ૧ ટકા વધી રહ્યું છે, તેથી એવું લાગે છે કે આ વલણ ચાલુ રહેશે.