China Shopping Mall Fire: ચીનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ પશ્ચિમ શહેર જિગોંગમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગની લપેટમાં આવતાં 16 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા.
ઘટનાનો વીડિયો સામે આવ્યો
માહિતી અનુસાર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ઈમારતમાંથી નીકળતો કાળો ધૂમાડો સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. સરકારી મીડિયાના સીસીટીવી મુજબ આગ લાગવાની જાણકારી મળતાં જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનેક ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
આગ લાગવાનું કારણ શું?
સ્થાનિક લોકોની પૂછપરછ બાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કન્સ્ટ્રક્શનની કામગીરીને કારણે આગ ભડકી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.