Water Supply Department In Navsari: નવસારી જિલ્લામાં પણી પુરવઠા વિભાગના અધિકારી અને કોન્ટ્રક્ટરોએ ટેન્ડર બહાર પાડ્યા વગર ખોટી રીતે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને અનેક કામોના ખોટા બીલ મુકી 12.44 કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે કાર્યપાલક ઈજનેર, ઈજારદાર, વેપારીઓ સહિત કુલ 14 સામે સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં બે અલગ-અલગ ગુના નોંધવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં કુલ 54 ગામમાં કોઈ પણ પ્રકારના કામ કર્યા વગર જ તેના ખોટા બીલ રજુ કરીને તેને મંજૂર કરી 5.48 કરોડ રૂપિયા ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયર, એક એકાઉન્ટન્ટ, બે ક્લાર્ક તથા છ ઈજારદાર એજન્સી અને વેપારીઓએ ગેરરીતિ આચરી હતી. નવસારી સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેર જતીનકુમારે કુલ 14 શખસો સામે ખોટા બિલો મુકી કરોડ રૂપિયાની નાણાંકીય ઉચાપત કરી ફરિયાદ નોંધાવી હતી. આ મામેલ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: માળીયાના ખોરાસા ગીર નજીકથી એક સિંહણ અને બે બાળ સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા ચકચાર
વર્ષ 2023માં સરકાર દ્વારા નવસારી જિલ્લામાં જુદી-જુદી પાણી પુરવઠાના યોજનાઓ માટે કુલ 34.29 કરોડ રૂપિયાની જોગવાઈ પૈકી 24 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી 19.33 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના બીલ મંજૂર કરાયા હતા. સરકારના રિજુવિનેશન કાર્યક્રમમાં મોટો ગોટાળો થયો હોવાની ચર્ચાઓ વચ્ચે વલસાડ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર આશાબેન પટેલે જાહેર આરોગ્ય વર્તુળ કચેરી વલસાડને એક પત્ર લખ્યો હતો.
જેમાં ચોંકાવનારી માહિતી સાથે થયેલી ફરિયાદના પગલે સમગ્ર પ્રકરણની તપાસ ગાંધીનગર સ્થિત આર્થિક ગુના નિવારણ શાખા સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામાં આવી હતી. તેની તપાસમાં નવસારી જિલ્લા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ તેમજ ઈજારદાર એજન્સીઓએ એકબીજાની સાંઠગાંઠમાં ચીખલી તાલુકાના 25, ગણદેવી તાલુકાના 20 અને ખેરગામ તાલુકાના 12 મળીને કુલ 54 ગામમાં 90 કામ કાગળ ઉપર કર્યા હોવાનું બતાવી કુલ 5.48 કરોડ રૂપિયાની મોટી રકમ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરના એફએએસ સોફ્ટવેરનો દુરુપયોગ કરી ઉચાપત કરી સરકારી તિજોરીને મસમોટું નુકસાન પહોંચાડાયું હતું.
આરોપીઓએ પોતાના સરકારી હોદાને દુરુઉપયોગ કરી, ઈજારદાર સાથે મળી ભાગ બટાઈ કરી લીધી હતી. જે અંગે તા.29-6- 2024ના સી.આઈ.ડી. ક્રાઈમ બ્રાંચે, નવસારી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને પત્ર લખી ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો. જે આધારે જતીનકુમાર પટેલે સી.આઈ.ડી.સી. બ્રાંચમાં નિવૃત્ત કાર્યપાલક ઈજનેર, ચાર એન્જિનિયરો, એક એકાઉન્ટન્ટ બે કલાર્ક અને એજન્સી મેસર્સ અભિનંદન એન્ટરપ્રાઈઝ મળીને કુલ 14 સામે બે અલગ-અલગ ફરિયાદ નોંધાવી છે. કુલ મળીને 12.44 કરોડનું સરકારને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
એજન્સીઓ પાસેથી અધિકારીઓએ સિક્યુરીટી ડિપોઝીટ જમા લીધી ન હતી
નવસારી વાસ્મો કચેરીએ સોર્સ કૂવા અને ખુટતી પાઈપલાઈનની કામગીરી કરવા જણાવ્યું હતું. પરંતુ ગ્રાંટની મંજૂરી અભાવે થયું નહતું. જે અંગે સ્થાનિક રાજકીય નેતાઓની ભલામણ, દરખાસ્ત બાદ ગ્રાંટ મંજૂર થઈ હતી. 16.47 કરોડ રૂપિયામાંથી 209 કામોમાં વહીવટી તાંત્રિક મંજૂરી, ડીટીપી, નિવિદા, ટેન્ડર, મંજૂરીની વિગતોની તપાસમાં નિયમોનું ઉલ્લંઘન, જોગવાઈ નહીં હોવા છતાં વધારાનો ખર્ચ કરાયો હતો. એજન્સીઓ દ્વારા ટેન્ડર મંજૂર થયા બાદ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવી, કરારખત બાદ ટેન્ડર મુજબ કામ કરવાનું હોવા છતાં એજન્સી પાસેથી અધિકારીઓ સિક્યોરિટી ડિપોઝિટ જમા લીધી નહતી. તેમજ કુલ 193 કામોની ચૂકવણી કરી દીધી હતી. જે પૈકી માત્ર 73 કામો જ સ્થળ પર થયા હતા. જ્યારે 90 કામ ફક્ત કાગળ પર બતાવી 5.48 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરાયો હતો.