Image: Facebook
Chhattisgarh Bijapur IED Blast: છત્તીસગઢના બીજાપુર જિલ્લાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ત્યાં નક્સલીઓ દ્વારા એક મોટો આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. આ આઈઈડી બ્લાસ્ટમાં સુરક્ષા દળના બે જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ચાર જવાન ઘાયલ છે.
ઘાયલ જવાનોને એરલિફ્ટ દ્વારા રાયપુર લવાઈ રહ્યાં છે. નક્સલીઓએ આ આઈઈડી બ્લાસ્ટ બીજાપુર જિલ્લાના મંડમિરકાના જંગલોમાં કર્યું છે. જણાવાઈ રહ્યું છે કે ઓપરેશનથી પાછા ફરતી વખતે નક્સલીઓએ સુરક્ષા દળને નિશાન બનાવતાં આઈઈડી બ્લાસ્ટ કર્યો.
અથડામણમાં 12 નક્સલી માર્યા ગયા
છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળનું અભિયાન સતત ચાલું છે. આ અભિયાન હેઠળ એક દિવસ પહેલા બુધવારે સુરક્ષા દળે છત્તીસગઢ અને મહારાષ્ટ્રના સીમાવર્તી વિસ્તારમાં અથડામણમાં 12 નક્સલીઓને ઠાર માર્યા છે. આ અથડામણમાં બે જવાન સતીશ પાટિલ, શંકર પોટાવી ઘાયલ થયા છે.
ઘટના મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના જારાવંડી વિસ્તારના છિંદવેટ્ટી વિસ્તારની છે. અથડામણ લગભગ છ કલાક સુધી ચાલી. ઘટના સ્થળેથી એકે47 સહિત સાત સ્વચાલિત શસ્ત્રો જપ્ત થયા. ઘાયલ જવાનોને નાગપુરમાં દાખલ કરાવવામાં આવ્યા છે. તેઓ જોખમથી બહાર છે.
ઘણા હથિયાર જપ્ત થયાં
ગઢચિરોલીના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે બુધવારે સવારે લગભગ 10 વાગે નક્સલીઓની હાજરીની માહિતી પર અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં સી-60 કમાન્ડો ટીમને વંડોલી ગામમાં છત્તીસગઢ સરહદની પાસે મોકલવામાં આવી. નદી-નાળાને પાર કરીને જવાન ત્યાં પહોંચ્યા તો નક્સલીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. છ કલાક ચાલેલી અથડામણમાં 12 નક્સલીઓને ઠાર મારી દેવાયા.
ઘટના સ્થળેથી ત્રણ એકે 47, બે ઇન્સાસ રાઇફલ, એક એસએલઆર સહિત સાત સ્વચલિત હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં ટિપાગડ દલમના પ્રભારી ડીવીસીએમ લક્ષ્મણ અત્રામ ઉર્ફે વિશાલ અત્રામની ઓળખ થઈ છે. અન્ય નક્સલીઓની ઓળખ અને વિસ્તારનું સર્ચિંગ ચાલુ છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સફળ અભિયાન માટે સી-60 કમાન્ડો અને ગઢચિરોલી પોલીસ માટે 51 લાખ રૂપિયાની રોકડ ઈનામ જાહેર કર્યું છે. ગઢચિરોલીમાં આ પહેલા 19 માર્ચે ચાર અને 13 મે એ ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતાં.