Aanvi Kamdar Dies: ટ્રાવેલ રીલ્સ બનાવીને ફેમસ થયેલી મુંબઈની અનવી કામદારનું રાયગઢના કુંભે ધોધ નજીક શૂટિંગ કરતી વખતે મોત થયું હતું. બુધવારે પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ રીલના શૂટિંગ દરમિયાન અનવીનો પગ લપસી જતા તે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી જતા તેનું મોત થયું હતું.
મિત્રો સાથે ટ્રેકિંગ કરવા ગઈ હતી
16 જુલાઈએ અનવી તેના સાત મિત્રો સાથે રાયગઢના કુંભે ધોધ નજીક ટ્રેકિંગ કરવા ગઈ હતી. એ દરમિયાન સવારે 10:30 વાગ્યાની આસપાસ રીલ શૂટ કરતી વખતે તેનો પગ લપસી જતા તે ખીણમાં પડી ગઈ હતી. જેના પગલે સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક ધોરણે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. આ માટે કોસ્ટ ગાર્ડ દળોની સાથે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પાસેથી પણ મદદ માંગવામાં આવી હતી, પરંતુ અનવીને બચાવી શકાઈ ન હતી. તેનું રેસ્ક્યૂ કરીને તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કરી હતી.
શૂટિંગ દરમિયાન થયો અકસ્માત
અનવીને હરવા ફરવાનો શોખ હતો અને આ જ શોખને તેણે પોતાની કારકિર્દી બનાવી લીધી હતી. તેના સોશિયલ મીડિયા પર બે લાખ 56 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમજ ઈન્ફ્લુએન્સરે સીએનો અભ્યાસ પણ કર્યો હતો અને થોડો સમય ડેલોઈટ નામની કંપનીમાં પણ કામ કર્યું હતું. પરંતુ ફરવાનો શોખ અને વીડિયો બનવવાની પ્રતિભાના હોવાના કારણે તેણે ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર તરીકે લોકપ્રિયતા મેળવી અને તે જ તેના મૃત્યુનું કારણ પણ બની.
આ પણ વાંચો: યુપીમાં લારીઓમાં નામ લખવાનો આદેશ, કાવડિયાઓને મૂંઝવણ ન થાય તે માટે લેવાયો નિર્ણય
અનવીના મૃત્ય બાદ પ્રવાસીઓને અપીલ
ઈન્ફ્લુએન્સરના મૃત્યુ બાદ મનાગાંવ પોલીસ ઈન્સ્પેક્ટર અને સ્થાનિક અધિકારીઓએ પ્રવાસીઓને જવાબદારીપૂર્વક પ્રવાસનનો આનંદ માણવા અને મુસાફરી દરમિયાન સલામતીને પ્રાથમિકતાઆપવાની અપીલ કરી હતી.