Image : Twitter
Trainee Pooja Khedkar Mother Detained: વિવાદોમાં સંપડાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકર અને તેમના પરિવારની મુશ્કેલી સતત વધતી જઇ રહી છે. પૂણે પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકરની ધરપકડ કરી લીધી છે. ગેરકાયદે હથિયારો રાખવાના આરોપમાં મનોરમાની રાયગઢ જિલ્લાના મહાડથી ધરપકડ કરી હતી.
શું છે આરોપ?
મનોરમા પર ખેડૂતને ધમકાવવાનો આરોપ છે. પૂણે ગ્રામીણ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ મનોરમાનો સરકારી અધિકારીને ધમકાવતો વીડિયો પણ વાયરલ થયો હતો. છેલ્લાં ઘણા દિવસોથી તે ફરાર હતી. ઉલ્લેખનીય છે કે વિવાદિત અધિકારી પૂજા ખેડકરની માતા મનોરમા ખેડકરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક જમીન વિવાદ મામલે બંદૂક સાથે અમુક લોકોને ધમકાવી રહી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મનોરમા અને તેના પતિ દિલીપ ખેડકર સહિત સાત લોકો સામે એફઆઈઆર નોંધી હતી.
આ પણ વાંચો : રીલ બનાવી ફેમસ અને એના ચક્કરમાં જ મોત, 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર
પૂજા ખેડકર કોણ છે?
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) આઇએએસ અધિકારી છે. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર 2023 બૅચની અધિકારી છે અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) ની પરીક્ષામાં દેશભરમાં 841 મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ 2024 ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.
પૂજાના કામ પણ વિવાદાસ્પદ
પૂનામાં કાર્યરત હતી ત્યારે પૂજાએ પોતાના માટે અલગ ઓફિસ અને અલગ કારની માંગ કરી હતી. ઓફિસ ન મળતાં એણે પરવાનગી વિના જ એડિશનલ કલેક્ટરની ઑફિસ પર કબજો જમાવી લીધો હતો અને ઑફિસનું ફર્નિચર પણ પોતાની પસંદ મુજબ બદલાવી દીધું હતું. એ પોતાની અંગત કાર પર લાલ બત્તી લગાવીને ફરતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અંગત લાભ માટે વાહનો પર લાલ બત્તીનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. દેશના વડાપ્રધાનને સુદ્ધાં એમની ગાડી પર લાલ બત્તી લગાવવાની છૂટ નથી હોતી. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયરફાઇટર વગેરે આપાતકાલીન (ઇમરજન્સી) વાહનોને જ લાલ બત્તી વાપરવાની છૂટ હોય છે. લાલ બત્તી ઉપરાંત પૂજાએ પોતાની ઓડી સિડાન કાર પર વીઆઈપી નંબર પ્લેટ અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટીકર પણ લગાડેલું હતું. એ જ કાર ભૂતકાળમાં એકથી વધુ વખત ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ ડંડાઈ ચૂકી છે.