Mohammed Shami Viral Video: મોહમ્મદ શમી વન-ડે વર્લ્ડકપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમનો હીરો રહ્યો હતો. તેણે આ ટુર્નામેન્ટમાં 7 ઇનિંગમાં 24 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી ત્યારે ખૂબ સારા ફોર્મમાં હતો અને ન્યુઝીલેન્ડ સામેની સેમિ ફાઇનલમાં પણ તેણે શાનદાર બોલિંગ કરી હતી. જો કે ઘણા ઓછા લોકો જાણતા હતા કે તે વર્લ્ડકપ 2023 દરમિયાન પણ ઇજાના કારણે પીડાઈ રહ્યો હતો. ટુર્નામેન્ટ પછી તેને આગળની સારવાર કરવા માટે આરામ આપવામાં આવ્યો હતો. જેના કારણે વન-ડે વર્લ્ડકપ પછી IPL અને ત્યાર પછી T20 વર્લ્ડકપ અને ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો.
જો કે હવે તે સાજો થઈ ગયો હોય એવું લાગે છે અને ફરીથી ક્રિકેટના મેદાનમાં જલ્દી જોવા મળે તો નવાઈ નહીં. કારણ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મોહમ્મદ શમી બોલિંગ કરતો દેખાય છે. તેણે ભારતની જર્સી જેવુ જ નારંગી રંગનું ટીશર્ટ પહેર્યું છે અને આ વીડિયોમાં પણ તેની બોલિંગ સટીક અને એકદમ સચોટ લાઇન લેન્થ પર લાગી રહી છે.
તો પ્રેક્ટિસમાં શમીને સ્ટમ્પ ઉખાડતો જોઈને ઘણા ક્રિકેટ ફેન્સ ખુશ થઈ ગયા હતા કે હવે ફરીથી તેઓનો ફેવરિટ બોલર ક્રિકેટના મેદાનમાં જોવા મળશે. શમી ભારત માટે મુખ્ય ફાસ્ટ બોલર્સમાંથી એક રહ્યો છે અને ટીમને જરૂરિયાતના સમયે ઘણો ઉપયોગી બન્યો છે. 2023 વન ડે વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તેણે 7 વિકેટ ઝડપી હતી. જેમાં સદી ફટકારનાર ડેરીલ મિશેલ અને દિગ્ગજ બેટર વિલિયમસનનો સમાવેશ થાય છે.
ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી રમે તેવી શક્યતા છે. શમી હવે ઘણો સિનિયર ખેલાડી થઈ ગયો છે પરંતુ હજુ તેની બોલિંગની ધાર એવી જ છે. માટે આગામી ICC ટુર્નામેન્ટમાં ભારતને જિતાડવામાં તે મહત્વની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા રાખી શકાય છે.