Image: IANS
IDBI Bank Disinvestments: આઈડીબીઆઈ બેન્કના ખાનગીકરણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાની શક્યતા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક માટે બિડ ભરનારા રોકાણકારોની ખરાઈ કરતો ફિટ એન્ડ પ્રોપર રિપોર્ટ રજૂ કરી દીધો છે. નરેન્દ્ર મોદી સરકારે મે, 2021માં આ બેન્કનો હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી હતી.
કેન્દ્ર સરકારને આરબીઆઈ પાસેથી બેન્કનું ખાનગીકરણ કરવા મંજૂરી મળતાં જ ઝડપથી કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. આરબીઆઈએ આંકલન કર્યું છે કે, બિડ ભરનારા યોગ્ય અને નિર્દેશિત માપદંડો પૂરા કરવા સક્ષમ છે કે નહીં. તેની તપાસ કરવામાં આવશે, તેમજ બિડ ભરનારા લોકો નિયમોનું પાલન કરે છે કે, નહીં. તેના વિરૂદ્ધ કોઈ રેગ્યુલેટર દ્વારા કાર્યવાહી તો થઈ રહી નથી ને, તેની તપાસ કર્યા બાદ મંજૂરી આપવામાં આવશે.
બજેટમાં જાહેરાત થવાની અપેક્ષા
આરબીઆઈ પાસેથી ફિટ એન્ડ પ્રોપર રિપોર્ટ મળ્યા બાદ સૌની નજર નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 23 જુલાઈના રોજ રજૂ થનારા બજેટ પર છે. જેમાં તે ડિસઈન્વેસ્ટમેન્ટ પર સંકેતો આપી શકે છે. આરબીઆઈ દ્વારા બિડર્સને ગ્રીન સિગ્નલ મળતાં આજે આઈડીબીઆઈ બેન્કનો શેર 6 ટકા સુધી ઉછળ્યો હતો. 12.07 વાગ્યે 5.18 ટકા ઉછાળા સાથે 92.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, એક વિદેશી બિડરને બાદ કરતાં અન્ય તમામે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જ્યારે વિદેશી બિડરે પોતાના વિશે કોઈ માહિતી જારી કરી ન હતી, તેમજ વિદેશી રેગ્યુલેટરે પણ તેના વિશે કોઈ ડેટા ઉપલબ્ધ કરાવ્યો ન હતો.
સરકાર પાસે 45.5 ટકા હિસ્સો
આઈડીબીઆઈ બેન્કમાં સરકાર 45.5 ટકા હિસ્સો ધરાવે છે. એલઆઈસી પાસે 49 ટકાથી વધુ હિસ્સો છે. આઈડીબીઆઈ પહેલાં નાણાકીય સંસ્થા હતી, જે બાદમાં બેન્ક બની હતી. સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના અનુસાર, સરકાર બેન્કમાં 60.7 ટકા હિસ્સો વેચી શકે છે. જેમાં સરકારનો 30.5 ટકા અને એલઆઈસીનો 30.2 ટકા હિસ્સો સામેલ છે.
સરકારને રૂ. 29000 કરોડ મળવાની અપેક્ષા
આઈડીબીઆઈ બેન્કની માર્કેટ કેપ હાલ 99.78 હજાર કરોડ છે. હિસ્સો વેચ્યા બાદ તેની વર્તમાન વેલ્યૂએશન મુજબ સરકારને રૂ. 29 હજાર કરોડથી વધુ મળી શકે છે. સરકારે બીપીસીએલ, કોનકૉર, બીઈએમએલ, શિપિંગ કોર્પોરેશન, આઈડીબીઆઈ બેન્ક અને એક વીમા કંપનીનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના બનાવી હતી. પરંતુ છેલ્લા 18 મહિનાથી આ સંદર્ભે કોઈ કામગીરી થઈ નથી. બીપીસીએલનું ડિસઈન્વેસ્ટમેન્ટ હાલપૂરતુ મોકૂફ રાખવામાં આવ્યું છે.