Image Source: Twitter
China Flood 2024: ચીનમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે. પૂરના કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં જ એક વર્ષના જેટલો વરસાદ પડી ગયો છે. જેના કારણે ચીનની 31 નદીઓ જોખમના નિશાન ઉપર છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખી હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સૌથી વધારે મુશ્કેલી મધ્ય ચીનના હેનાન પ્રાંતના શહેરોમાં છે. અચાનક આવેલા પૂરના કારણે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નાનયાંગ શહેરની સરહદ અંદર દાફેંગયિંગમાં એક જ દિવસમાં 606.7 મિમી (24 ઈંચ) વરસાદ નોંધાયો છે. વરસાદનું આ પ્રમાણ વિસ્તારના સરેરાશ વાર્ષિક વરસાદ 800 મીમીની બરાબર છે. બીજી તરફ હેનાન પ્રાંતના અધિકારીઓએ ખરાબ હવામાનને ધ્યાનમાં રાખી હાઈ એલર્ટ જારી કરી દીધું છે. મંગળવારે મોડી રાત સુધી પડેલા ભારે વરસાદથી હેનાન, શેડોંગ અને અનહુઈ પ્રાંતમાં પૂરની સ્થિતિ ઉત્પન્ન થઈ છે.
ઘરમાં ફસાયેલા લોકોને બહાર નીકાળવામાં આવી રહ્યા છે
એક અહેવાલ પ્રમાણે મંગળવારે સવારે હેનાન પ્રાંતના નાનયાંગના ડેંગઝોઉ શહેરમાં મંગળવારે સવારે પાણી ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું. પાણી વધવાના કારણે ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નદીમાં આવેલા પૂરે કેટલાક વિસ્તારોમાં ઘરો પણ ડૂબાડી દીધા છે. રેસ્ક્યુ ટીમે ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હવામાન માત્ર હેનાન સુધી જ સીમિત નથી. વાવાઝોડા અને અચાનક પૂરની ચેતવણી બાદ ઘણા શહેરોમાં ટ્રેન લાઈન બંધ કરી દેવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ પ્રાંત ગાંસુના કાંગ કાઉન્ટીએ વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
ચીન જ નહીં બીજા અન્ય દેશો પણ પરેશાન
વિવિધ ભાગોમાં વરસાદ બાદ એશિયા ભારે સંકટમાં છે. ચીન સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે. ચીનને વરસાદી મોસમમાં ભારે તબાહીનો સામનો કરવો પડી રહ્યો છે. ચીનની 31 નદીઓ ખતરાના નિશાનથી ઉપર છે. અનેક ડેમ ભરાઈ ગયા બાદ સ્થિતિ જોઈને ચીને તેનો સૌથી મોટો ડેમ થ્રી ગોર્જેસ ડેમ પણ ખોલી દેવામાં આવ્યો છે. ચીન બાદ નેપાળ એવો બીજો દેશ છે જે પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. ત્યારબાદ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ભારતમાં પણ પૂરની સ્થિતિ જોવા મળી છે. અફઘાનિસ્તાનમાં 15 અને 16 જુલાઈના રોજ ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું.