Accident in Jamnagar : કાલાવડ રાજકોટ ધોરી માર્ગ પર આણંદપર ગામની ગોળાઈ પાસે બોલેરો કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકના ચાલક પરપ્રાંતિય શ્રમિક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે મૂળ મહારાષ્ટ્રના યવતમાલના વતની અને હાલ રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં કિસન ઓટો પાર્ટ્સ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પ્રશાંતભાઈ દેવરાજભાઈ ધોતે નામનો 30 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન, કે જે ગઈકાલે પોતાનું બાઈક લઈને રાજકોટ કાલાવડ ધોરી માર્ગ પર આણંદ પર ગામની ગોળાઈ પાસેથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી એક બોલેરોના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પરપ્રાંતીય યુવાન પ્રશાંતને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પત્ની સવિતાબેનએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ સ્ટાફે બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે જ્યારે અજ્ઞાત બોલેરોના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.