image : Freepik
Jamnagar Crime News : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં એક પ્રેમી દ્વારા દંગલ મચાવવામાં આવ્યું હતું, અને પ્રેમિકા સાથે લગ્ન કરવાની તેણીના પિતાએ ના પાડી હોવાથી ગામમાં આવી દંગલ મચાવી છરી વડે પ્રેમિકાના પરિવારના એક સભ્ય પર હુમલો કરી દીધો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં રહેતા ડાયાભાઈ તેજાભાઈ મકવાણા નામના 43 વર્ષના યુવાને પોતાના ગામમાં કાર લઈને ધસી આવી ઘરમાં ધમાલ મચાવવા અંગે અને પોતાના પરિવારના જશાભાઈ નામના એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરી દઈ સમગ્ર પરિવારને પતાવી દેવાની ધમકી આપવા અંગે રાજકોટના નાના મૌવામાં રહેતા પાર્થ ઉર્ફે ભોલુ પંકજભાઈ ભોજાણી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કે જે પોતાની પુત્રી સાથે એક તરફી પ્રેમ સંબંધ ધરાવતો હોવાનું જાહેર કરાયું હતું. જે પોતાની પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ પોતે કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અને રખડતો ભટકતો હોવાથી ફરિયાદીએ લગ્નની ના પાડી દીધી હતી. જેથી ગઈકાલે આરોપી ઉશ્કેરાયો હતો, અને રાજકોટ થી પોતાની કારમાં બેસીને ધુનધોરાજી ગામમાં પહોંચ્યો હતો, જ્યાં ધમાલ મચાવી જશાભાઈ નામના એક વ્યક્તિને ઘાયલ કરી દેતાં હુમલાની ફરિયાદ નોંધાવાઇ છે. હાલ આરોપી ભાગી છૂટ્યો હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.