Stray Cattle in Surat : સુરત પાલિકાએ શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે પાંચ વર્ષમાં શહેરમાંથી 31,674 રખડતા ઢોર ઝડપી પાડ્યા હતા. પાલિકાએ આ કામગીરી દરમિયાન પશુપાલકો પાસેથી 3.08 કરોડ રૂપિયાનો દંડ પણ વસુલ કર્યો છે. જોકે, આ પાંચ વર્ષ દરમિયાન પશુપાલકો જેટલા પશુઓ પાલિકા પાસેથી પકડી ગયા તેના કરતા વધુ પશુઓ છોડવી નથી ગયા. જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં સુરત પાલિકાએ 16,613 પશુનો પાંજરાપોળ કે ગૌશાળામાં મોકલી આપ્યા છે.
હાઇકોર્ટના આદેશ બાદ સુરત પાલિકાએ રખડતા ઢોરની સમસ્યા દુર કરવાની કામગીરી વધુ આક્રમક કરી છે તેના કારણે શહેરના રસ્તા પર હાલમાં રખડતા ઢોરનો ત્રાસ થોડો ઓછો થયો છે. જોકે, હજી પણ શહેરના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જોકે, સુરત પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં રખડતા ઢોર સામે કામગીરી કરી તેના કારણે આ ત્રાસ હવે થોડો ઓછો જોવા મળી રહ્યો છે.
સુરત પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે 30 જૂન 2024 સુધીમાં શહેરના રસ્તા પર રખડતા 31674 પશુઓને ઝડપી પાડ્યા હતા. પાલિકાની આ કામગીરી દરમિયાન અનેક વખત માથાભારે પશુપાલકો સાથે પાલિકાના કર્મચારીઓનું ઘર્ષણ પણ થયું છે અને કેટલાક કિસ્સામાં પાલિકા કર્મચારીઓ પણ હુમલો પણ થયો છે. આવા હુમલા છતાં પણ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી ચાલુ રાખી છે. પાલિકાએ 2019-20 થી 30 જૂન 2024 દરમિયાન શહેરના રસ્તા પરથી રખડતા 31,674 ઢોર પકડી પાડ્યા હતા. જેમાંથી પશુપાલકો દ્વારા 12,390 પશુઓને 3.08 કરોડનો દંડ ભરીને છોડવી ગયા છે.
જોકે, બીજી તરફ પાલિકાએ ઝડપી પાડેલા અડધાથી વધુ પશુ છોડવવા માટે પશુપાલકો આગળ આવ્યા જ નથી. જેના કારણે પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 16,613 પશુઓને ગૌશાળા કે પાંજરાપોળમાં મૂકી દીધા છે. આ પશુઓના નિભાવવાની જવાબદારી હવે પાલિકા પર આવી રહી છે.