ઢાકા,૧૮ જુલાઇ,૨૦૨૪,ગુરુવાર
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણના મુદ્વે હિંસક પ્રદર્શન શરુ થયા છે. વિરોધ પ્રદર્શનમાં પરિસ્થિતિ વકરતા ૬ નાગરિકોના મોત અને ૪૦૦થી વધુ ઘાયલ થયા છે. હવે ખબર એ છે કે શિક્ષણ સંસ્થાનોને અનિશ્ચિતકાળ સુધી બંધ રાખવાની ફરજ પડી છે.
આ પ્રદર્શન બાંગ્લાદેશ હાઇકોર્ટ દ્વારા ૫ જુનના રોજ આરક્ષણને મંજૂરી આપવાના નિર્ણય પછી શરુ થયા છે.કોર્ટે સ્વાતંત્ર સેનાનીઓ અને તેમના વંશજોને સરકારી નોકરીઓમાં ૩૦ ટકા અનામત કોટાને મંજુરી આપી હતી. જે ૨૦૧૮માં સ્ટુડન્ટ અને શિક્ષકો દ્વારા મોટા પાયે આંદોલન શરુ થયા પછી રદ્ કરવામાં આવી હતી.
રવીવારે પીએમ શેખ હસીનાએ પ્રદર્શનકારીઓેની રઝાકારો સાથે સરખામણી કરીને આગમાં ઘી નાખવાનું કામ કર્યુ હતું. રઝાકારએ બાંગ્લાદેશમાં દેશદ્વોહીઓ માટે વપરાતો શબ્દ છે. ૧૯૭૧માં બાંગ્લાદેશના મુકિતસંગ્રામનો વિરોધ કરીને રઝાકારોએ કાળો કેર વરતાવ્યો હતો. બાંગ્લાદેશમાં સરકારી નોકરીને કારર્કિદી માટે સૌથી વધુ પસંદ કરે છે.
સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર દર વર્ષે અંદાજે ૪ લાખ જેટલા ગ્રેજયુએટ ૩૦૦૦ જેટલી સરકારી જગ્યાઓ માટે પરીક્ષા આપે છે. ૨૦૧૮ થી ૫૬ ટકા સરકારી નોકરીઓ જુદી જુદી કેટેગરીઓ માટે આરક્ષિત હતી. જેમાં ૩૦ ટકા બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા પરિવારોને આપવામાં આવતી હતી. મહિલાઓ અને અવિકસિત જિલ્લાના લોકોને ૧૦ ટકા જયારે આદિવાસી સમુદાયો અને ૫ ટકા વિકલાંગ વ્યકિતઓને ૧ ટકા આપવામાં આવે છે.