Gujarat ATS : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે ગુજરાત ATS એ રેડ કરીને 51 કરોડ રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં પતરાના શેડમાં છેલ્લા 1 મહિનાથી મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. જેમાં આરોપી દ્વારા એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન ડ્રગ્સ બનાવીને મુંબઈમાં વહેંચવામાં આવ્યું હતું. જ્યારે ATS એ ત્રણ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ માટે મોકલવાની કામગીરી હાથ ધરી છે.
ATS એ 51.409 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામમાં દર્શન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ પતરાના શેડ ખાતે ગુજરાત ATS ના 2 PI, 5 PSI સહિતની ટીમ રેડ મારી હતી. ATS દ્વારા રેડ મારતાં જાણવા મળ્યું હતું કે, પતરાના શેડમાં આરોપી દ્વારા ડ્રગ્સનું બનાવવામાં આવતું હતું. જેમાં ATS દ્વારા 4 કિલો મેફેડ્રોન અને 31.409 કિલો લિક્વિડ મેફેડ્રોનનો કુલ 51.409 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે મેફેડ્રોનનું ગેરકાયદેસર ઉત્પાદન કરતાં પતરાનો શેડ ભાડે રાખી ડ્રગ્સ બનાવતા સુનીલ યાદવ, વિજય ગજેરા અને હરેશ કોરાટ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
એક મહિનામાં ચાર કિલો મેફેડ્રોન ડ્રગ્સ મુંબઈના સલીમ સૈયદને મોકલ્યું
મેફેડ્રોન બનાવવા માટે આરોપીએ છેલ્લા એક મહિનાથી પતરાના શેડની જગ્યા 20 હજાર રૂપિયામાં ભાડે રાખી હતી. ત્રણેય આરોપી માંથી એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર રો- મટીરિયલના આધારે મેફેડ્રોન તૈયાર કરતો હતો. જેમાં આરોપી દ્વારા છેલ્લા એક મહિનાના સમયગાળાની અંદરમાં જ ચાર કિલો મેફેડ્રોનનો જથ્થો બનાવીને મુંબઈના સલીમ સૈયદને મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ, ATS ની ટીમ દ્વારા મુંબઈના સલીમને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કરોડો રુપિયાના મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો પકડાવાના કેસમાં ATSના DySP એસ.એલ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ભાડે રાખેલા પતરાના શેડમાં મોટાપાયે મેફેડ્રોન બનાવવામાં આવતા હોવાથી માલિકની પૂછપરછ કરવામાં આવશે.’