રાજકોટનાં ઓબ્ઝર્વેશન હોમની ઘટના વાલીઓ સાથે ફોનમાં વાતચીતનો સમય પૂરો થતાં ગાર્ડે ટપારતાં ધમાલ મચાવી, એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ
રાજકોટ, : જયાં 18 વર્ષથી નીચેની વયનાં આરોપીઓને રાખવામાં આવે છે તે રાજકોટનાં ભક્તિનગર સ્ટેશન રોડ પર સ્થિત ઝોનલ ઓબ્ઝર્વેશન હોલ કમ પ્લેસ ઓફ સેફટીમાં ગઈકાલે રાત્રે છ આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી સીસીટીવી કેમેરા, પંખા, ખુરશીઓ, ટયુબલાઈટ વગેરેમાં તોડ ફોડ કરી ધમાલ મચાવી દીધી હતી. આટલેથી નહીં અટકતા એસઆરપીનાં ગાર્ડ પર પણ હુમલો કર્યો હતો. જેના પગલે સંસ્થાનાં અધિકારીઓ દોડી આવ્યા બાદ પરોઢીયે તમામ આરોપીઓ વિરૂધ્ધ એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટનાં ઓબર્ઝવેશન હોમમાં હાલ 47 બાળ કે સગીર કહેવાતા આરોપીઓ છે. સંસ્થામાં કોન્ટ્રાકટબેઈઝ પર કાઉન્સેલર તરીકે ફરજ બજાવતાં સાગરભાઈ શુક્લા (ઉ.વ. 34, રહે. સંસ્કાર સિટી એપાર્ટમેન્ટ, D/ 403પામ રોડ)ને 6 મહિનાથી અધિક્ષકનો પણ ચાર્જ સોંપાયો છે.
તેણે પોલીસને જણાવ્યું કે, ગઈકાલે જાહેર રજા હતી. રાત્રે સવા નવેક વાગ્યે સંસ્થામાં સરકારી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં રમણીકભાઈએ તેને ફોન કરી જણાવ્યું કે, કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકો હાલ એસઆરપી ગાર્ડ સાથે ઝઘડો કરી, તેને મારકુટ કરે છે. આ વાત સાંભળી તે તત્કાળ સંસ્થા ખાતે દોડી ગયા હતાં અને ગેઈટની અંદર પ્રવેશતા જ સામાન વેર વિખેર જોવા મળ્યો હતો.
જેથી ગાર્ડ રમણીકભાઈને પુછતાં કહ્યું કે, આજે બુધવાર હોવાથી નિયમ મુજબ ખાનગી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં ટીડાભાઈ ઉર્ફે શૈલેષભાઈ બાળકોને તેમનાં વાલીઓ સાથે ઓફિસનાં લેન્ડલાઈન ફોન પરથી વાતચીત કરાવતાં હતાં. તે વખતે એક બાળકની વાતચીતનો સમય પૂરો થઈ જતાં તેને ટીડાભાઈએ ફોન મુકવાનું કહ્યું હતું. પરંતુ તેમ છતાં તે બાળકે ફોનમાં વાતચીત ચાલુ રાખી હતી. જેથી તે પણ તે બાળક પાસે ગયા હતાં અને તેને ફોન મૂકવાનું જણાવતાં ફોન મૂક્યો ન હતો.
પરિણામે તેની પાસેથી ફોન (રિસિવર) આંચકી લીધું હતું. તે સાથે જ તે બાળક ઓફિસમાંથી બહાર નિકળી બીજા પાંચ બાળકોને બોલાવી લાવ્યો હતો. ત્યાર પછી આ તમામ છ બાળકો ગેરકાયદે મંડળી રચી કલાસ રૂમમાં ધસી ગયા હતાં. જયાં જીમનાં સાધનોમાંથી ડંબેલ લઈ તેનાં વડે કલાસ રૂમની બેંચમાં તોડફોડ શરૂ કરી હતી. કુલ બે બેંચને નુકશાની પહોંચાડી હતી. ત્યારબાદ કલાસ રૂમની બહાર નિકળી ગાળાગાળી કરી કચરા પોતા કરવાનાં પ્લાસ્ટિકનાં પાઈપ વડે તોડફોડ શરૂ કરી હતી. જોત જોતામાં 6 સીસીટીવી કેમેરા, 10 પંખા, 5 ખુરશીઓ 1 ટયુબ લાઈટ તોડી નાખી હતી. દેકારો થતાં એસઆરપીનાં ગાર્ડ અરવિંદસિંહ જાડેજા લોબીમાં દોડી આવ્યા હતાં. તે છએ બાળકોને સમજાવવા જતા તેની ઉપર પ્લાસ્ટિકનાં પાઈપ વડે હુમલો કરી દીધો હતો. જેના કારણે બે ગાર્ડ રમણીકભાઈ અને ટીડાભાઈ છોડાવવા વચ્ચે પડયા બાદ છએ બાળકો હોલમાંથી જતાં રહ્યા હતાં. એસઆરપી ગાર્ડ અરવિંદસિંહને ડાબી બાજુનાં ખભા, કાંડા, પડખાનાં ભાગે અને શરીરનાં અન્ય ભાગો પર ઈજા થઈ હતી. આ ફરિયાદનાં આધારે એ.ડિવિઝન પોલીસે છએ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.