– માતૃત્વ, તે સ્ત્રીત્વની પરિપૂર્ણતા છે : વિચારકો
– લેટિન અમેરિકાના ચાર રાષ્ટ્રોમાં ગર્ભપાત વિરૂદ્ધ સખત કાનૂન છે. ગર્ભપાત કરાવનાર મહિલા, દાયણ અને તબીબને કઠોર સજા થાય છે
સાન્તો ડોમિગો : ગર્ભપાત સામે સંપૂર્ણ પ્રતિબંધ મુકતા ક્રીમિનલ કોડ સામે મહિલાઓ રણે ચઢી છે. તેમની સાથે કોઈ કોઈ પુરુષો પણ જોડાયા છે.
બુધવારે સંત ડોમિગોના નામ ઉપરથી જે ડોમિલિકન રીપબ્લિકનનાં પાટનગરનું નામ પડયું છે, ત્યાં જ મહિલાઓએ સંપૂર્ણ ગર્ભપાત વિરોધી કાનૂનના વિરોધમાં દેશમાં ઠેર ઠેર દેખાવો શરૂ કરી દીધા છે. તેમને કેટલાક પુરૂષોનો પણ સાથ છે.
દેશની સેનેટે પસાર કરેલા ગર્ભપાત વિરોધી કાનૂન પ્રમાણે, જે મહિલા ગર્ભપાત કરાવે તેને બે વર્ષની સજા કરવામાં આવશે. તેમજ તેમાં સાથ અને સહાય આપનાર દાયણ તથા તબીબોને તો ૫ થી ૨૦ વર્ષ સુધીની સજા કરવામાં આવશે. લેટિન અમેરિકાના અન્ય ચાર દેશોમાં પણ આવા કાનૂન છે.
આ વિધેયકમાં લગ્ન પછી પરાણે રતિ-સુખ માણનાર પુરૂષોને કરાતી સજામાં ઘટાડો કરવામાં આવશે. પરંતુ ગર્ભપાત અંગેના નિયમોમાં (કાનૂનમાં) કોઈ ફરફાર નહીં થાય. તેમ આટલા તોફાનો પછી પણ સત્તાવાર સરકારી યાદી જણાવે છે.
આ ગર્ભપાત વિરોધી કાનૂન સામે રણે ચઢેલી રમણીઓના નેત્રી (નેતા) અને ફેમિનિસ્ટ એકટિવિસ્ટ (મહિલા અધિકાર કાર્યકર્તા) સર્ગીય ગાલવાને કહ્યું હતું કે, તે કાનૂન પાછો ખેંચવા માટે અમે અમારી લડત ચાલુ જ રાખીશું. તેમાં જો મહિલાનું જીવન જોખમાય તેમ હોય તો ગર્ભપાત કરાવવાની છૂટ મેળવીશું.
સર્ગીયા ગાલવાનની આટલી વાત સ્વીકાર્ય છે પરંતુ જો મહિલાના જીવન ઉપર જોખમ ન હોય, તો પણ ગર્ભપાત કરવા દેવાની માગેલી મુકિત તે માનવતાના ભંગ સમાન છે. જ બાળકે હજી બહારની દુનિયા જોઈ જ નથી, તેનું મૃત્યુ કરવાનો કોઇને અધિકાર હોઈ જ ન શકે. તે નૃશંસ માનવ હત્યા જ છે, તેમ કહેતા વિચારકો જે મહિલાઓ અકારણ-ગર્ભપાતની તરફેણ કરે છ તેમને જણાવે છે કે, તેઓ ભૂલે છે કે ‘માતૃત્વ તે તો સ્ત્રીત્વની પરિપૂર્ણતા છે.’