Accident News | આજનો દિવસની શરૂઆત ભારે થઇ છે. બે ગમખ્વાર અકસ્માતમાં કુલ 11 લોકોના મોતના અહેવાલ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. માહિતી અનુસાર બે અલગ અલગ રાજ્યોમાં આ અકસ્માત સર્જાયા હતા. જોકે આ અકસ્માત થવાની રીત એકસમાન જ હતી. જેની વિગતો નીચે પ્રમાણે છે…
પ્રથમ અકસ્માત : રાજસ્થાનના બીકાનેર 6 લોકોનાં મોત
રાજસ્થાનના બીકાનેરમાં ગુરુવારે મોડી રાતે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 6 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. બીકાનેરથી 100 કિ.મી. દૂર મહાજન થાના ક્ષેત્રમાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર તમામ લોકો મૃત્યુ પામી ગયા હતા. મૃતકો હરિયાણાના ડબવાલીના રહેવાશી હતા. જૈતપુરથી હનુમાનગઢ જતી વેળાએ આ કારચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી દીધી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બીજો અકસ્માત : ઉત્તરપ્રદેશમાં લખનઉ-આગરા એક્સપ્રેસ પર કારે ટ્રકને મારી ટક્કર, 5નાં મોત
જ્યારે બીજો અકસ્માત ઉત્તરપ્રદેશના લખનઉ આગરા એક્સપ્રેસ વે પર થયો હતો. જ્યાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે પણ ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જ્યારે અન્ય બેના મોત સારવાર દરમિયાન થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.