Rain in Jamnagar : જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ એક દિવસનો વિરામ રાખ્યા પછી ગઈકાલે મોડી સાંજથી ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને રાત્રીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર 6 ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. જયારે કાલાવડમાં સાડા ત્રણ ઇંચ, ધ્રોલમાં અઢી ઇંચ, અને જોડિયામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સવારથી ભારે ઉકળાટભર્યું વાતાવરણ બનેલું હતું. આખરે સૌ પ્રથમ કાલાવડમાં બપોર પછી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. ચાર વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. રાત્રિના 12 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ વરસી જતાં ફરીથી નદી નાળામાં પુર આવ્યા હતા તેમજ આસપાસના ચેકડેમ તળાવ વગેરેમાં નવા પાણીની આવક થઈ છે.
આ ઉપરાંત મોડી સાંજે આઠ વાગ્યા પછી ચાર કલાકના સમયગાળા દરમિયાન જામજોધપુર છ ઇંચ વરસાદ પડી ગયો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર 144 મી.મી.પાણી પડી જતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ચોમેર પાણી ફરી વળ્યા હતા અને નદી-નાળા, ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે.
આ ઉપરાંત ધ્રોલમાં પણ અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જયારે જોડીયામાં આજે સવારે ધોધમાર બે ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગર શહેરમાં રાત્રિના આઠ વાગ્યાથી ધીમીધારે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ત્યારબાદ આજે સવારથી વરસાદી વાતાવરણ રહ્યું હતું, અને ગાજવીજ સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સવારે 10.00 વાગ્યા સુધીમાં 16 મી.મી. વરસાદ નોંધાયો હતો.
લાલપુર પંથકમાં પણ બપોર બાદ હવામાનમાં પલ્ટો આવ્યા પછી આકાશ વાદળોથી ઘેરાયેલું બન્યું હતું, આજે સવારથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. અને અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ધોધમાર 142 મી.મી. વરસાદ વરસી ગયો હતો. જયારે ધ્રાફામાં પણ 140 મી.મી. વરસાદ નોંધાયો છે. વાંસજાળીયામાં 130 મી.મી., પરવવામાં 120 મી.મી. અને સમાણામાં 72 મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 70 મી.મી., મોટા પાંચ દેવડામાં 32 મી.મી., નવાગામમાં 25 મી.મી., જ્યારે ભણસાલ બેરાજામાં 29 મી.મી. વરસાદ નોંધાયો છે. કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં 87 મી.મી. વરસાદ નોંધાયો છે.