Gujarat High Court: અમદાવાદ શહેરમાં રખડતા ઢોર અને રસ્તાઓ ઉપર ભૂવા પડવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે (18મી જુલાઈ) સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જોરદાર ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાઓ યોગ્ય રીતે રીપેરીંગની કામગીરી કરવામાં આવી છે તેવા દાવાઓ કરવામાં આવે છે. તેમ છતાં શહેરના રસ્તાઓ ઉપર અવારનવાર કેમ મસમોટા ભૂવાઓ પડે છે?
અમદાવાદ કોર્પોરેશનના એન્જિનિયરો શું કરી રહ્યા છે? આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની તેમજ કોઈ કામગીરી માટે રોડ ખોલવાની અને રોડ બંધ કરવાની શું પોલીસી છે તે રજૂ કરવી જસ્ટિસ અલ્પેશ વાય કોગજે અને જસ્ટિસ સમીર જે દવેની ખંડપીઠે અમ્યુકોને નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો: તાલાલા પંથકમાં ધોધમાર વરસાદથી હિરણ અને સરસ્વતી નદીમાં પૂર, વાડલા ગીર ગામ વિખુટું પડયું
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા કામગીરી બાબતે દાવાઓ કરવામાં આવે છે પણ તેમ છતાં અવારનવાર રસ્તાઓ ઉપર કેમ ભૂવા પડે છે એ બાબતનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કોર્પોરેશન દ્વારા એન્જિનિયરની ભરતી કરવામાં આવે છે, પરંતુ રોડ રસ્તાની કામગીરી થર્ડ પાર્ટીના ભરોસે હોય છે. તો શું માત્ર એન્જિનિયરો થર્ડ પાર્ટી એક્સપર્ટના સહારે જ કામ કરે છે? આ બાબતનો જવાબ આપો.’ જો કે, આ કેસની વધુ સુનાવણી હવે આગામી 25મી જુલાઈએ થશે.