ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની નતાશા સ્ટેન્કોવિકે છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટથી અલગ થવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ત્યાર પછી બંને વચ્ચે તેમના દીકરા અગત્સ્યની કસ્ટડીને લઈને અને સંપત્તિની વહેંચણીને લઈને ક્રિકેટ ફેન્સમાં જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે.
હાર્દિક પંડયા અને નતાશા સ્ટેન્કોવિકે હિન્દુ અને ખ્રિસ્તી બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. એવામાં લગ્નજીવનમાં પત્નીના કાયદાકીય અધિકારો અંગે જાણવું જરૂરી છે. હાર્દિક પંડયાની નેટવર્થ 91 કરોડ માનવામાં આવે છે. તો બીજી તરફ નતાશાની નેટવર્થ 20 કરોડ હોવાનું કહેવાય છે.
છૂટાછેડાના કિસ્સામાં સંપત્તિમાં અધિકાર
એક અહેવાલ પ્રમાણે છૂટાછેડાના કિસ્સામાં જો પત્ની પતિથી અલગ રહેવા જતી રહે અથવા તેનાં પતિ દ્વારા છોડી દેવામાં આવે તો તે પોતાના નામ પરની સંપત્તિમાં 50% ભાગીદારી ઉપરાંત પતિની સંપત્તિમાં પણ 50% ભાગીદારી માંગી શકે છે. જો પતિ અને પત્ની બંનેએ મળીને કોઈ સંપત્તિ વસાવી હોય તો એમાં પત્ની પોતાના 50% ભાગ સિવાય બાકીનો જે 50% ભાગ પતિનો છે એમાં પણ ભાગીદારી માંગી શકે છે.
કેટલાક છૂટાછેડાના કિસ્સામાં સંપત્તિ પૂરેપૂરી પતિના નામ પર હોય તો છૂટાછેડાના કિસ્સામાં પત્ની ભરણપોષણનો દાવો કરી શકે છે. કારણ કે તેને પ્રાથમિક કાયદાકીય ઉત્તરાધિકારી માનવામાં આવે છે. જો પત્નીએ પતિના નામ પર રહેલી રજિસ્ટર્ડ પ્રોપર્ટીમાં નાણાકીય મદદ કરી હોય તો પતિની એ સંપત્તિ પર પણ તે પોતાનું યોગદાન હોવાનો પુરાવો રજૂ કરીને એના પર પણ પોતાનો દાવો રજૂ કરી શકે છે.
પત્નીએ પોતાની અવકથી કોઈ સંપત્તિ ખરીદી કે વસાવી હોય તો એવી સંપત્તિ પર તેનો પોતાનો સંપૂર્ણ હક હોય છે. એને વેચવા, રાખી મૂકવા કે કોઈને ગિફ્ટ આપવાનો તેને પૂરેપરો અધિકાર હોય છે.
ભરણપોષણનો અધિકાર
કાયદાકીય રીતે છૂટાછેડા લઈને અલગ થવા દરમિયાન મહિલા પોતાના અને બાળકો માટે IPC-125 પ્રમાણે ભરણપોષણનો દાવો કરી શકે છે. હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એકટ 1956 ના સેક્શન 25 પ્રમાણે પત્નીને ભરણપોષણ એકસાથે અથવા કોર્ટ દ્વારા નિર્ધારિત માસિક ચૂકવણી તરીકે મળી શકે છે.
આ સિવાય ‘સ્ત્રીધન’ પર પણ દાવો કરી શકે
સ્ત્રી પોતે વસાવેલી કમાયેલી મિલકત ઉપરાંત લગ્ન દરમિયાન કે ત્યાર બાદ ભેટમાં આવેલી તમામ સંપત્તિ, તેનાં ઘરેણાં, બચાવેલી રકમ કે જેને ‘સ્ત્રીધન’ કહેવાય છે તેના પર પણ દાવો કરી શકે છે. આ તમામ વસ્તુઓ તેને પાછી મળી શકે છે.
હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું. નતાશા તાજેતરમાં જ અગત્સ્ય સાથે એરપોર્ટ પર દેખાઈ હતી. બંને હાલ નતાશાના વતન સર્બિયા પહોંચી ગયા છે. નતાશાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ વાત જણાવી હતી.