Vadodara News : વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલ સ્મશાનની હાલત અત્યંત ખરાબ છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ વારંવાર વોર્ડ ઓફિસર અને સેનેટરી વિભાગમાં રજૂઆત કરવા છતાં કામગીરીમાં કોઈ સુધાર ન થતા આખરે તેમણે આ અંગે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે.
પુષ્પાબેન વાઘેલાએ મ્યુન્સિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું છે કે, નિઝામપુરા સ્મશાનમાં મુખ્ય ગેટ અંદર જવાનો રસ્તો અત્યંત બદત્તર હાલતમાં છે. છેલ્લા એક વર્ષથી અહીં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે અને તે વારંવાર સ્મશાનમાં આવી જાય છે. અહીંનું કુલર બંધ હોવાથી લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે. ચિતાની ઉપરના પતરા તૂટી ગયા હોવાથી અંતિમ ક્રિયા ટાણે ઉપરથી વરસાદનું પાણી પડતા અગવડ ઊભી થઈ રહી છે. અહીં શૌચાલયની સુવિધા પણ યોગ્ય નથી. લાકડા વારંવાર ખૂટી જાય છે જેથી અંતિમ ક્રિયા કરવા આવેલા મૃતકના સૌજન્યએ પોતાની રીતે ક્યારેક લાકડાની વ્યવસ્થા કરવી પડે છે. જેથી અંતિમ ક્રિયા માટે તેઓએ લાકડા માટે તેઓ પૈસા આપવા મજબૂર થઈ રહ્યા છે. શહેરના ઉત્તર ભાગમાં આવેલ આ મોટું સ્મશાન છે પરંતુ અહીં યોગ્ય વિકાસ ન થતા લોકોએ અન્ય સ્મશાને જવું પડી રહ્યું છે. તાત્કાલિક ધોરણે જો નિવારણ લાવી પરિસ્થિતિ બદલાય તો નાગરિકો તેનો લાભ લેતા થાય અને રાહત મળી શકે તેમ છે.