Vadodara News : વડોદરા શહેરના ઇદગાહ મેદાન પાસે વર્ષોથી ઘાસ વેચી આ જગ્યા પર દબાણ ઊભું કરનાર ઘાસના વિક્રેતાઓનું ઘાસ જપ્ત કરી અહીંની જગ્યાએ ઊભું કરાયેલું દબાણ પાલિકા તંત્રએ દૂર કરી દીધું હતું. સમગ્ર જગ્યાએથી ઘાસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના વિહાર ટોકીઝથી ગાજરાવાડી ગણપતિ મંદિર જવાના મુખ્ય માર્ગ પર નવીન રસ્તો બનાવવાના કામને હાઈ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે ગમે ત્યારે અહીં રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ શકે તેવી શક્યતા જણાઈ રહી છે. ઇદગાહ મેદાન પાસે વર્ષોથી કેટલીક મહિલાઓ ગાયને ઘાસ નાખવાનો વ્યવસાય કરતી હોવાથી અહીં ખૂબ મોટી માત્રામાં રખડતા ઢોર આવી જતા હોય છે અને પારાવાર ગંદકી તથા વાહન ચાલકો, રાહદારીઓને પસાર થવામાં તકલીફ પડતી હોય છે. જેને ધ્યાનમાં લઇ છેલ્લા છ મહિનાથી પાલિકા તંત્ર દ્વારા અહીં ઘાસનું વેચાણ કરનારાઓને મૌખિક રીતે આ સરકારી જગ્યા ખાલી કરી ખસી સૂચના આપતી હતી. એક મહિના અગાઉ અહીં વેપાર ધંધો કરનારાઓને પાલિકા તંત્રએ નોટિસ પણ આપી હતી. તેમ છતાં તેઓ અહીં દબાણ કરી વેપાર કરતા હતા.
સમગ્ર ઘટના અંગે આજે પાલિકાના માર્કેટ ઇન્સ્પેક્ટર ડો.પંચાલ અને ઢોર પાર્ટીના ઇન્સ્પેક્ટર સરવૈયા વિક્રમસિંહ દ્વારા અહીં દબાણ દૂર કરવાની કામગીરી પાલિકાની વિવિધ ટીમને સાથે રાખી હાથ ધરવામાં આવી હતી. અહીંથી અંદાજે દસ હજાર કિલો ઘાસ જપ્ત કરવામાં આવ્યું હતું અને દબાણ થયેલ જગ્યા પર બુલડોઝર ફેરવી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. તંત્રની કાર્યવાહી વેળાએ અહીં ઘાસ વેચતી મહિલાઓએ કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ વાડી પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી પાર પાડવામાં આવી હતી.