Image : Gir National Park
Junagadh: બુધવારે (17 જુલાઈ) માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર નજીક એક સિંહણ અને બે બાળ સિંહના મૃતદેહ મળ્યા હતા. વન વિભાગે તેનું પોસ્ટમોર્ટમ કર્યું પરંતુ 36 કલાકથી વધુ સમય પહેલાનો મૃતદેહ હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નહી. હવે મોતનું કારણ જાણવા વિસેરાઓને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. આ વાત પરથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. વન વિભાગ ટેકનોલોજી મુદ્દે સિંહો માટે ખુબ આગળ વધી રહ્યો છે ત્યારે સિંહોના મોતનું કારણ પણ જાણી ન શકે તે એક શંકા ઉપજાવે તેવો પ્રશ્ન બન્યો છે. હાઈકોર્ટે સિંહોના કમોત બાબતે ઉધડો લેતા હવે અકુદરતી મૃત્યુ છુપાવવાની પેરવી ચાલતી હોવાના આક્ષેપ ઉઠયા છે.
હાઈકોર્ટ આકરા પાણીએ
ટ્રેન હડફેટે કમોતે મરતા સિંહોના મુદ્દે ચાલતી પિટિશનમાં હાઈકોર્ટના આકરાં વલણથી વનરાજોના અકુદરતી મોત છૂપાવવાનો સિલસિલો શરૂ થયાના આક્ષેપ હાઈકોર્ટ સિંહોના કમોત બાબતે આકરા પાણીએ છે. અગાઉની સુઓમોટોની થોડા સમય પહેલા શરૂ થયેલી સુનાવણી દરમ્યાન રેલ્વે ટ્રેક પર ટ્રેન હડફેટે કપાઈને મરતા સિંહો બાબતે વન વિભાગ અને રેલ્વેનો ઉધડો લેતા બંને વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અને અનેક સુધારા-વધારાઓ કરી સિંહોના ટ્રેન હડફેટે થતા મોતનો સિલસીલો અટકાવવાના પ્રયાસો શરૂ થયા છે.
ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો
આ સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે ગંભીર ટકોર કરી હતી કે, માત્ર ટ્રેન હડફેટે જ નહી પરંતુ કોઈપણ અકુદરતી રીતે સિંહોનું મોત થતું અમો જોવા માંગતા નથી. આ ગંભીર ટકોર બાદ પણ સિંહો કમોતે મરવાનો સિલસીલો ચાલુ જ છે. થોડા દિવસ પહેલા વિસાવદર પંથકની ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો હતો તેનું પણ આવી જ રીતે મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બુધવારની ત્રણ સિંહોના મોતની ઘટનામાં પણ સિંહોના મોતનું કારણ સામે આવતું નથી.
વનતંત્ર બહાનાઓ આગળ ધરી રહ્યું છે
વન વિભાગ મોટી ટેકનોલોજી અને એઆઈ સિસ્ટમના ઉપયોગ કરવાના દાવાઓ કરી રહ્યો છે તેવામાં મોતનું કારણ પણ ન જાણી શકે તે ખુબ જ શરમજનક ઘટના ગણાય. સિંહપ્રેમીઓએ આક્ષેપ કર્યા છે કે, હાઈકોર્ટની અકુદરતી મોત મુદ્દે ગંભીર ટકોર બાદ હવે વનતંત્ર સિંહોના અકુદરતી મોત રેકર્ડ પર બતાવવાને બદલે મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેવા બહાનાઓ આગળ ધરી રહ્યું છે.
સિંહો માટે સૌથી વધુ જંગલ જ સુરક્ષીત વિસ્તાર છે પરંતુ મોટાભાગના સિંહો જંગલને બદલે રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. રેવન્યુ વિસ્તારમાં સિંહો પર અનેક જોખમો મંડરાયેલા છે. જેમાં ખુલ્લા કુવાઓ, વીજ કરંટ, રેલ્વે ટ્રેક, વાહન અકસ્માત, મારણમાં ઝેર ભેળવી દેવાની ઘટના વનરાજો માટે જોખમી છે. આવી અનેક ઘટનાઓથી સિંહો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. બુધવારે માળીયાહાટીનાના ખોરાસાથી પાતરા જવાના રસ્તા પર કાલીન્દ્રી નદી નજીકથી એક સિંહણ અને બે બાળસિંહના મૃતદેહ મળ્યા હતા.
તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે
આ બનાવની જાણ થતા વેટરનરી તબીબ, ડીસીએફ સહિતનો વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સિંહોના મૃતદેહ કબ્જે લઈ સીમર એનિમલ કેર હોસ્પિટલ ખાતે ગરુવારે (18 જુલાઈ) સવારે પીએમ કરવામાં આવ્યું હતું. આ અંગે સીસીએફ આરાધના શાહુએ જણાવ્યું હતું કે, સિંહણ પુખ્ત ઉંમરની હતી જ્યારે બંને બચ્ચા એકાદ વર્ષના હતા. વન વિભાગના સ્ટાફે આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે તથા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૃતદેહ 36 કલાકથી વધુ જુના હોવાથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અનેક મુદ્દે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સિંહણના મૃતદેહથી 50-60 મીટર દૂર બાળસિંહના મૃતદેહ મળ્યા હતા. બચ્ચાના નાના હોવાથી થોડા દૂર સુધી તણાયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.
બે- ચાર જગ્યાએ શંકાસ્પદ હિલચાલ નજરે ચડી
હાલમાં વન વિભાગના માળીયા, તાલાળા અને દેવળીયા રેન્જના સ્ટાફ દ્વારા કાલીન્દ્રી નદીના કાંઠે 5 ટીમ બનાવી બંને સાઈડ ખોરાસાથી પાતરાના ખેતરોમાં સ્કેનિંગની કામગીરી કરવામાં આવી છે. જેમાં બે-ચાર જગ્યાએથી શંકાસ્પદ હિલચાલ જોવા મળતા તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. અગાઉ આ સિંહોનું ગ્રુપ ક્યા વિસ્તારમાં મુવમેન્ટ કરતું હતું, છેલ્લે ક્યાં સુધી જોવા મળ્યું હતું તે દિશામાં તપાસમાં શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ડોગ સ્ક્વોડની મદદ લઈ સમગ્ર વિસ્તારમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, મોબાઈલના લોકેશન, વાહનોના વ્હીલના નિશાન તથા બાતમીદારોની મદદ વડે હાલ વન વિભાગ શંકાસ્પદ મોતના મુળ સુધી પહોંચવા મથામણ કરી રહ્યો છે.