Image: IANS
Indian High Commission Release Advisory For Indians: બ્રિટનના ઘણાં વિસ્તારોમાં છેલ્લાં એક સપ્તાહથી હિંસા ચાલી રહી છે. સાઉથપૉર્ટમાં ‘ડાન્સ ક્લાસ’માં કેટલાક તત્ત્વોએ ચાકુ વડે હુમલો કરી આંતક મચાવ્યો હતો. જેમાં ત્રણ છોકરીઓના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ હિંસા મામલે ઓછામાં ઓછા 100 લોકોની ધરપકડ કરી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશને યુકે જતાં ભારતીયો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે.
લંડનમાં ભારતીય હાઇ કમિશને એડવાઇઝરી જાહેર કરી
લંડનમાં ભારતીય હાઇ કમિશને એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય પ્રવાસીઓએ યુનાઇટેડ કિંગડમના જે વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે, તેનાથી વાકેફ રહેવું જોઈએ. લંડનમાં ભારતીય હાઇ કમિશન સમગ્ર સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતથી આવતા પ્રવાસીઓને યુકેમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા સલાહ આપવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા સ્થાનિક સમાચાર અને સલાહને અનુસરવા પણ અપીલ કરી છે અને જ્યાં વિરોધ ચાલુ હોય તેવા વિસ્તારોની મુલાકાત ટાળવા સલાહ આપી છે.
અનેક વિસ્તારોમાં હિંસા વધી
હાલમાં જ લિવર પુલ, હલ, બ્રિસ્ટલ,લીડ્સ, બ્લેકપુલ, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બેલફાસ્ટ, નોટિંઘમ અને માન્ચેસ્ટરમાં પથ્થરમારો જોવા મળ્યો હતો. ફટાકડાં ફેંકવામાં આવ્યા હતા. હોટલની બારીઓ તોડવામાં આવી હતી. દેશમાં શરણ લેનારા પર હુમલાઓ વધી રહ્યા છે. દુકાનો પર હુમલો કરી આગચંપીની ઘટનાઓ પણ બની હતી. પોલીસ અને ભીડ વચ્ચે પણ અથડામણ થઈ હતી. બ્રિટનના ગૃહ મંત્રી યવેટ કૂપરે આ હિંસક તત્ત્વોને ચેતવણી આપી છે કે, તેઓ આ ગુનાહિત અવ્યવસ્થા અને હિંસાની કિંમત ચૂકવવા તૈયાર રહે.