Ganesh Chaturthi Muhurat: આજે સંકટમોચક દુંદાળા દેવ ગણેશની જન્મજયંતિ ‘ગણેશ ચતુર્થી’ની સમગ્ર દેશમાં પૂરા ભક્તિભાવ, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. આ ઉત્સવ 17 સપ્ટેમ્બરના રોજ અનંત ચતુર્દશીથી લઈને ગણેશ મહાવિસર્જન સાથે 10 દિવસ સુધી ચાલશે. જ્યોતિષોના મતે આજે ગણપતિ બાપ્પાની જન્મજયંતિની પૂજા ભદ્રકાળની છાયામાં થશે. ચાલો જાણીએ કે ભગવાન ગણેશનો જન્મ ક્યારે થયો હતો, આજે ભદ્રા કાળનો સમયગાળો કેટલો છે, રાહુકાળ કેટલા સમય માટે છે, અને પૂજા માટે યોગ્ય શુભ મુર્હતનો સમય કયો છે.
પૌરાણિક કથાઓ અનુસાર એક દિવસ જ્યારે માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે પોતાના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કરી તેમાં પ્રાણ પૂર્યા હતા. પછી માતા પાર્વતી તે બાળકને દરવાજા પાસે સુરક્ષા કરવા માટે બેસાડીને પોતે સ્નાન કરવા ચાલ્યા ગયા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવ્ય ઘટના દિવસમાં બપોરના સમયે બની હતી. જે દિવસે આ ચમત્કાર થયો તે દિવસે ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ હતી. પાછળથી આ બાળ ગણેશ ગણોના શાસક બન્યા અને દેવોમાં સૌથી પ્રથમ પૂજાતા દેવતા બન્યા.
જ્યોતિષોના જણાવ્યા અનુસાર આજે ગણપતિ બાપાની જન્મજયંતિની પૂજા ભદ્રકાળના છાયામાં થશે. પંચાંગ અનુસાર આજે ભદ્રા કાળ સવારે 4.20 થી સાંજના 5.37 વાગ્યા સુધી રહેશે. જો કે ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ ભગવાન ગણેશ સ્વયં વિઘ્નો અને અવરોધોને દૂર કરનારા દેવ છે. માટે શા માટે તેઓ કોઈ સંકરથી ડરે, ખુદ ભદ્રા પણ તેનાથી ડરે છે. ભગવાન ગણેશ સૌથી અગ્રણી અને પહેલા પૂજાતા દેવતા છે. તેમની પૂજા પંચાગમાં નિર્ધારિત સમયે કરવામાં આવશે. તમને અહીં જણાવી દઈએ કે ભદ્રા કાળમાં ગણેશજીની પૂજા કરવી માન્ય છે.
હિંદુ સનાતન પંચાંગ અનુસાર આજે રાહુ કાળ સવારેના 9.10 થી 10.45 વાગ્યા સુધી રહેશે. ધાર્મિક ગ્રંથો અનુસાર રાહુ કાળમાં કોઈપણ શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. ગણેશ ચતુર્થીની તિથિ 6 સપ્ટેમ્બરે બપોરે 3:01 વાગ્યે શરૂ થશે. અને તે 7 સપ્ટેમ્બરના રોજ સાંજના 05:37 વાગ્યે સમાપ્ત થશે. ગણેશ ચતુર્થીની પૂજાનો શુભ સમય 7 સપ્ટેમ્બરના રોજ સવારે 11:03 થી બપોરના 01:33 વાગ્યા સુધીનો રહેશે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભગવાન ગણેશની પૂજા પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે. તેના જીવનમાંથી તમામ અવરોધો અને સંકટ દૂર થાય છે, અને ઇચ્છિત પરિણામોની પ્રાપ્તી થાય છે.