Duleep Trophy 2024, Dhruv Jurel: હાલમાં રમાઈ રહેલી દુલીપ ટ્રોફી 2024ની પહેલી મેચ ભારત A અને ભારત B ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ધ્રુવ જુરેલ ભારત A ટીમ તરફથી રમી રહ્યો છે. તે પહેલી ઇનિંગમાં માત્ર 2 રન અને બીજી ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો.
અદભૂત વિકેટકીપિંગ
ધ્રુવના નિરાશાજનક પ્રદર્શન કરવા છતાં પણ તેના વખાણ થઈ રહ્યા છે. તેનું કારણ ધ્રુવ જુરેલે આ મેચ દરમિયાન કરેલી અદભૂત વિકેટકીપિંગ છે. ધ્રુવની વિકેટકીપિંગને કારણે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઈ રહ્યા છે. એક્સ પર એક યુઝરે ધ્રુવને રિષભ પંત અને સંજુ સેમસન કરતા પણ સારો વિકેટકીપર ગણાવ્યો હતો.
ધોનીના રેકોર્ડની બરાબરી કરી
ધ્રુવ દુલીપ ટ્રોફીની એક ઇનિંગમાં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ દિગ્ગજ ભારતીય ખેલાડી અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ 2004-05ની દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા એક ઇનિંગમાં 7 કેચ પકડ્યા હતા. હવે ધ્રુવે 7 કેચ કરી લીધા છે. આ યાદીમાં ત્રીજા નંબરે સુનીલ બેન્જામિન છે. તેણે 1973-74ની સિઝનમાં સેન્ટ્રલ ઝોન તરફથી રમતા 6 કેચ લીધા હતા. અગાઉ ધોનીએ બેન્જામિનનો રેકોર્ડ તોડ્યો હતો. હવે ધ્રુવે તેના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
આ પણ વાંચો: સ્ટાર ઓલરાઉન્ડરે અવગણના થતાં જ કરી નિવૃત્તિની જાહેરાત, ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે
માત્ર 23 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યૂ
19 સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. આ સીરિઝમાં ધ્રુવને તક મળી શકે છે. અગાઉ ઘ્રુવ માત્ર 23 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં પોતાનું ટેસ્ટ ડેબ્યૂ કરી ચૂક્યો છે. પરંતુ હજુ સુધી તેને ઘણી મેચોમાં રમવાની તક મળી નથી. ધ્રુવે અત્યાર સુધીમાં ભારત માટે 4 ટેસ્ટ ઇનિંગ્સમાં 190 રન બનાવ્યા છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ સામે રમીને ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધ્રુવ ભારત માટે 2 T20 મેચ પણ રમી છે.