નવી દિલ્હી : કેન્દ્રીય નાણા મંત્રાલય ‘એક રાજ્ય, એક ગ્રામીણ બેંક’ નીતિ હેઠળ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને એકીકૃત કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય પ્રાદેશિક ગ્રામીણ બેંકોની કાર્યક્ષમતા વધારવા અને જાહેર ક્ષેત્રની બેંકોને પ્રાયોજિત કરતી અન્યાયી સ્પર્ધાને રોકવાનો છે.
સરકારનું લક્ષ્ય પ્રાદેશિક ગ્રામીણ બેંકોની સંખ્યા વર્તમાન ૪૩થી ઘટાડીને લગભગ ૩૦ કરવાનું છે. આના પરિણામે રાજ્યમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું પ્રદર્શનના આધારે સ્પોન્સર બેંકમાં વિલીનીકરણ થશે. આ સાથે, દરેક રાજ્ય પાસે એક સ્પોન્સર બેંક હશે જે તે રાજ્યની અન્ય ગ્રામીણ બેંકોની સંપત્તિમાં પૂલ કરશે. આ બેંકોમાં ટેક્નોલોજીને અપગ્રેડ કરવાની અને મોબાઈલ બેન્કિંગની ઉપલબ્ધતા વધારવાની પણ જરૂર છે.
પ્રાદેશિક ગ્રામીણ બેંકો પ્રાદેશિક સ્તરે ખોલવામાં આવે છે અને તેમનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં નાણાકીય સેવાઓ પૂરી પાડવાનો છે. આવી બેંકોને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પ્રાયોજક બેંકો દ્વારા ઇઇમ્ એક્ટ, ૧૯૭૬ હેઠળ મૂડી પૂરી પાડવામાં આવે છે.
દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ૧૪ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને સ્પોન્સર કરે છે. આ પછી પંજાબ નેશનલ બેંક ૯, કેનેરા બેંક ૪, બેંક ઓફ બરોડા અને ઇન્ડિયન બેંક ૩-૩, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ૨, યુકો બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર ૧-૧ સ્પોન્સર કરે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪માં પ્રાદેશિક ગ્રામીણ બેંકોએ અત્યાર સુધીનો સૌથી વધુ નફો રૂ. ૭,૫૭૧ કરોડ મેળવ્યો હતો અને તેમનો ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ રેશિયો ૬.૧ ટકા હતો, જે ૧૦ વર્ષમાં સૌથી ઓછો હતો.
ગયા મહિને નાણાં પ્રધાનની અધ્યક્ષતામાં પ્રાદેશિક ગ્રામીણ બેંકોના ટોચના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં સ્પોન્સર બેન્કોને બિઝનેસ પરફોર્મન્સ સુધારવા, ડિજિટલ ટેક્નોલોજી સેવાઓ અપગ્રેડ કરવા અને એમએસએમઈ ક્લસ્ટર્સમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ અપાયો હતો.