અમદાવાદ : જુલાઈ, ૨૦૨૪ની સાપેક્ષે ઓગસ્ટમાં દેશમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણમાં ૧૭ ટકનો ઘટાડો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સના ડેટા અનુસાર ઓગસ્ટમાં ૮૮,૪૭૨ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જુલાઈમાં આ સંખ્યા ૧૦૭,૦૦૦ યુનિટ હતી.
એથર એનર્જી સિવાયના તમામ મુખ્ય ઓરિજિનલ ઇક્વિપમેન્ટ ઉત્પાદકો (ઓઈએમ)એ વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો.
ઓલા ઇલેક્ટ્રિકના વેચાણમાં સૌથી વધુ ૩૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ ઓગસ્ટમાં ૪૧,૬૨૪ સ્કૂટર્સનું વેચાણ કર્યું હતું, જ્યારે જુલાઈમાં વેચાણ સંખ્યા ૨૭,૫૧૭ યુનિટ હતી.
ઓગસ્ટમાં એથર એનર્જીનું વેચાણ માસિક ધોરણે ૭ ટકા વધીને ૧૦,૮૩૦ યુનિટ થયું છે. ઓલા ઈલેક્ટ્રીક, ટીવીએસ મોટર કંપની, બજાજ ઓટો અને એથર એનર્જી વેચાણ અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ દેશમાં ટોચની ૪ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો છે.
ટીવીએસ મોટર કંપનીએ ઓગસ્ટ મહિનામાં ૧૭,૫૪૩ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ કર્યું, જે જુલાઈના ૧૯,૪૮૬ કરતાં ૧૦% ઓછું છે. બજાજ ઓટોનું વેચાણ ૫ ટકા ઘટીને ૧૬,૭૦૬ યુનિટ રહ્યું હતું.
ઓગસ્ટ મહિનામાં શેરબજારમાં લિસ્ટ થયેલી ઓલા ઈલેક્ટ્રિકનો બજાર હિસ્સો એપ્રિલના ૫૨ ટકાથી ઘટીને ઓગસ્ટ સુધીમાં ૩૨ ટક થઈ ગયો છે જ્યારે ટીવીએસ અને બજાજ ઓટો બંનેનો ૧૯ ટકા બજાર હિસ્સો હતો.