USA Student Visa: ભારતીય યુવાનોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વિદેશ જવાની ઘેલછા સતત વધી રહી છે. પરંતુ તેના માટે યોગ્ય જોગવાઈઓ કે પ્લાનિંગ ન કરવામાં આવે તો આ સપનું અધૂરું રહી શકે છે. જો તમે પણ અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર જવાની યોજના ધરાવતાં હોવ તો તમે અહીં આપેલા સ્ટેપ્સ ફોલો કરી ઝડપથી અને સરળતાથી વિઝા મેળવી શકશો.
સૌ પ્રથમ તો યોગ્ય અને માન્ય યુનિવર્સિટી-કૉલેજની તપાસ કરી, ફી સ્ટ્રક્ચર, તેમાં મળતી સ્કૉલરશિપ વિશે માહિતી મેળવી એડમિશન લો. એડમિશન મેળવ્યા બાદ સ્ટુડન્ડ વિઝાની પ્રક્રિયા શરુ થાય છે. અમેરિકામાં અભ્યાસ માટે મળતાં સ્ટુડન્ટ વિઝાને F1 વિઝા કહે છે.
તાલીમ માટે અમેરિકા જવા માટે આ વિઝા લો
જો તમે અમેરિકા બિન-શૈક્ષણિક સંસ્થામાં તાલીમ કે વોકેશનલ ટ્રેનિંગ મેળવવા અથવા તો લેંગવેજ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે જઈ રહ્યા છો તો તમારે M વિઝા લેવાની જરૂર પડશે. આ વિઝા ફાઇલ કરવા માટે તમારે વર્ષનો ખર્ચ અને ટ્યુશન ફી સહિત એડમિશન પ્રુફ વગેરે રજૂ કરવા પડશે. તેમજ અમુક ફંડ પણ દર્શાવવા પડશે.
આ બાબતોને ધ્યાનમાં લો
1. અમેરિકા ભણવા માટે કોર્સ શરુ થયાના 1 વર્ષ પહેલાંથી જ વિઝા પ્રક્રિયા શરુ કરી શકો છો. પરંતુ જો વિઝા કોર્સ શરુ થવાના છ મહિના પહેલાં મળી જાય તો પણ તમે અમેરિકામાં એન્ટ્રી લઈ શકો નહીં. અમેરિકામાં તમારી કૉલેજ કે યુનિવર્સિટી શરુ થાય તેના 30 દિવસ પહેલાં જ તમે પ્રવેશ કરી શકો છો. પણ જો તમે વહેલાં જવા માગતા હો તો તમે વિઝિટર વિઝા અપ્લાય કરી શકો છો.
2. સ્ટુડન્ટ વિઝા માટે એપ્લિકેશન ફી 185 ડોલર (અંદાજે રૂ. 15533) છે. જે સંપૂર્ણપણે નોન-રિફંડેબલ છે.
3. વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન તમારે પાસપોર્ટ, નોન ઇમિગ્રાન્ટ વિઝા ઍપ્લિકેશન (ફોર્મ DS-160), ઍપ્લિકેશન ફી પેમેન્ટ રિસિપ્ટ, ફોટો અને નોન ઇમિગ્રાન્ટ (F-1) માટે માન્યતા સર્ટિફિકેટ, એકેડેમિક અને લેંગ્વેજ પ્રુફ, ફોર્મ I-20 વગેરે સાથે રાખવાના રહેશે.
4. વિઝા અપ્લાય કરતી વખતે તમારે અમેરિકામાં રહેવા માટે એક વર્ષનો ખર્ચ અને ટ્યુશન ફી સમકક્ષ નાણાકીય ફંડ રજૂ કરવાનું રહેશે. ઓછામાં ઓછું 10000 ડોલર (અંદાજે રૂ. 8.5 લાખ) ફંડથી માંડી 1 લાખ ડોલર (85 લાખ) સુધીના ફંડ દર્શાવવા પડી શકે છે. કૉલેજ અને શહેર અનુસાર, ફંડનું પ્રમાણ અલગ-અલગ હોય છે. ફંડ તમે બૅન્ક સ્ટેટમેટ મારફત, લોન કે સ્પોન્સર દ્વારા સ્પોન્સરશીપ લેટર, સ્કૉલરશિપ લેટર દ્વારા દર્શાવી શકો છો.
5. વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન તમારે શૈક્ષણિક ડિગ્રીઓની ટ્રાન્સ્ક્રિપ્ટ, અને યુએસ સ્કૂલ દ્વારા જરૂરી IELTS, PTE સ્કોર કાર્ડ પણ લઈ જવાનું રહેશે.