ઝુકરબર્ગ, સત્યા નડેલા, સુંદર પિછાઈની હરોળમાં ભારતીય એક્ટર
અનિલ કપૂર પોતાના નામ, અવાજ, જક્કાસ સંવાદની અદાયગી સહિતના હક્કો સુરક્ષિત કરાવવા કાનૂની લડાઈ લડયો હોવાથી પસંદગી
મુંબઈ : વિખ્યાત મેગેઝિન ‘ટાઈમ’ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ક્ષેત્રમાં વિશ્વના ૧૦૦ પાવરફૂલ વ્યક્તિઓની યાદી જાહેર કરી છે તેમાં ભારતમાંથી અભિનેતા અનિલ કપૂરને સ્થાન મળ્યું છે. આ યાદીમાં સ્થાન પામનારા અન્ય મહાનુભવોમાં માર્ક ઝુકરબર્ગ, સત્યા નડેલા, સુંદર પિછાઈ જેવા ઈન્ટરનેટ કંપનીઓના ધુરંધરોનો સમાવેશ થાય છે.
આ લિસ્ટમાં અનિલ કપૂરનું નામ જોઈ તેના પ્રખર ચાહકોને પણ નવાઈ લાગી છે. વાસ્તવમાં અનિલ કપૂર તેના નામ, ફોટો, અવાજ તથા તેના વ્યક્તિત્વની ખાસિયતો અને તેની ‘જક્કાસ’ સંવાદ બોલવાની અદા સહિતની બાબતોનો અન્ય કોઈ કમર્શિઅલ ઉપયોગ ન કરે તે માટે કાનૂની સંરક્ષણ મેળવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં લડયો હતો. અનિલે કરેલા દાવા બાદ અસંખ્ય વેબસાઈટ્સ તથા બીજાં સંસ્થાનોને અનિલના પર્સનલ તથા સેલિબ્રિટી રાઈટ્સનો કમર્શિયલ ઉપયોગ કરવા સામે મનાઈ ફરમાવવામાં આવી હતી.
ટાઈમ દ્વારા આ યાદીમાં અનિલ કપૂરના નામ સાથે એવો ઉલ્લેખ કરાયો છે કે અનિલે પોતાની નકલમાં એઆઈના બિનઅધિકૃત દુરુપયોગ સામે ગત સપ્ટેમ્બરમાં નવી દિલ્હી હાઈકોર્ટમાં વિજય મેળવ્યો છે.
વિશ્વભરમાંથી આ યાદીમાં માત્ર બે એક્ટરને સ્થાન મળ્યું છે. તેમાં અનિલ ઉપરાંત હોલીવૂડ એક્ટર સ્કારલેટ જ્હોન્સનનો પણ સમાવેશ થાય છે. સ્કારલેટે થોડા સમય પહેલાં એક એઆઈ સિસ્ટમ ને પોતાનો અવાજ વાપરવાની મનાઈ ફરમાવી દીધી હતી.
અનિલ કપૂરે જાતે સોશિયલ મીડિયા પર આ અંગે હરખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં ભવિષ્યને કંડારી રહેલા વિઝનરી લોકોની યાદીમાં મારું સ્થાન જોઈને હું ભારે કૃતજ્ઞાતા અને અપાર ખુશી અનુભવું છું. ટાઈમ દ્વારા મારી આ કદર થઈ છે તે કેવળ એક સન્માન નહિ પરંતુ ઈનોવેશન અને ક્રિએટિવિટીની દુનિયામાં મારી સફરનું પ્રતિબિંબ પણ છે.
આ યાદીમાં આલ્ફાબેટ અને ગૂગલના સીઈઓ સુંદર પછાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ, ચીનના ટોચના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એન્ડ્રૂ યાઓ, ઓપન એઆઈ સીઈઓના સેમ અલ્ટમાન સહિત અન્યોનો સમાવેશ થાય છે.
ભારતમાંથી આ યાદીમાં કેન્દ્રીય આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવ, ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નિલેકેની, પ્રોટોનના અનંત વિજય સિંઘ, અમેઝોનના આર્ટિફિશિય ઈન્ટેલિજન્સ વિભાગના વડા રોહિત પ્રસાદ, એબ્રિજના સ્થાપક શિવ રાવ તથા પરપ્લેક્સિટીના સીઈઓ અરવિંદ શ્રીનિવાસનો પણ સમાવેશ કરાયો છે.
વિદેશી મહાનુભવોમાં યુ ટયુબર માર્કવિ બ્રાઉનલી, આર્ટિસ્ટ લોરેન્સ લેક, કોમેડિયન તથા એઆઈ ક્રિએટર કિંગ વિલિનોઈસ પણ આ યાદીમાં સામેલ છે.