મનપા તંત્રએ યાદી જ નહીં આપતાં
પાલજ, બાસણ, બોરીજ, આદિવાડા, ફતેપુરા, ઇન્દ્રોડા, ધોળાકુવા, ગોકુલપુરામાં નળ જોડાણોઆઠ મહિને પણ કાયદેસર થયાં નહીં
ગાંધીનગર : ભારત સરકારની નલસે જલ યોજના અંતર્ગત પાટનગરના શહેરી ગામડા
અને પરા વિસ્તારોમાં ૭,૨૨૦
જેટલા પીવાના પાણીના નળ જોડાણને કાયદેસર કરવાની કવયાત અધુરી રહી છે. તેમાં શહેરી
ગામો પાલજ, બાસણ, બોરીજ, આદિવાડા, ફતેપુરા, ઇન્દ્રોડા, ધોળાકુવા, ગોકુલપુરા સહિતના
પરા વિસ્તારમાં રૃપિયા ૫૦૦ વન ટાઇમ ચાર્જીસ વસૂલીને જોડાણોને કાયદેસર કરવાના છે.
પરંતુ મહાપાલિકાએ જોડાણોની યાદી નહીં આપતાં યોજના લટકી પડી છે.
રાજ્યભરમાં મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે નળ
જોડાણોને કાયદેસર કરવા તેમજ પાણીનું નવું જોડાણ મેળવવા ઇચ્છતા હોય તેને જોડાણ
આપવાની કવાયતમાં ગાંધીનગરના ઉપરોક્ત વિસ્તારોનો સમાવેશ છે. નોંધવું રહેશે, કે ગાંધીનગરમાં
ખુટતી પાઇપ લાઇન બિછાવવા સંબંધેની તમામ કામગીરી પુરી કરાયાં પછી સરકારે શું ચાર્જ
લેવા અને વેરાની વસૂલાત કેવી રીતે કરવી તેનો નિર્ણય લેવામાં ખુબ સમય વ્યતિત કર્યો
હતો. બાદમાં અપાયેલા નિયમો પ્રમાણે ગેરકાયદે નળ જોડાણ ધરાવતા દરેક રહેણાંક એકમે
કાયદેસરના જોડાણ માટે મહાપાલિકામાં નિયત ફી સાથે અરજી કરવાની રહેશે. સાથે બાહેંધરી
અને હયાત પાણી, ગટરના
પુરાવા આપવાના રહેશે. મહાપલિકા તે અરજીની ચકાસણી કરીને ફીની રકમ સાથેની અરજી
પાટનગર યોજના વિભાગને સોંપશે તેની સાથે જોડાણની કામગીરી કરાશે. હાલની સ્થિતિએ
શહેરી ગામોમાંથી પાણી અને ગટર વેરાની વસૂલાત આવતી નહીં હોવાથી જુનું માંગણું રૃપિયા
૨.૫૦ કરોડે પહોંચ્યુ છે. પરંતુ નળ જોડાણ કાયદેસર થયાની સાથે પાટનગરની જેમ જ નવા
ગ્રાહકોએ પણ વેરા ભરવાના થશે. તેની બાહેંધરી પણ લેવાશે. આ વસૂલાત મહાપાલિકા દ્વારા
જ મિલકતવેરાની સાથે કરાશે. પરંતુ ક્યા વિસ્તારમાં કેટલા જોડાણ આપવાના છે. તેની
યાદી મહાપાલિકાએ આઠ મહિના ઉપરાંત સમય વિત્યે પણ આપી નથી.