ગાંધીનગર શહેર નજીક આવેલા સોનારડા ગામમાં
લોખંડની કોસ વડે યુવાને માતા પુત્રને ઘાયલ કરતા સારવાર માટે ખસેડવામાં આવ્યા : ડભોડા પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા સોનારડા ગામમાં ઉછીના રૃપિયા
આપવાની ના પાડતા યુવાન અને તેની માતા ઉપર લોખંડની કોસ વડે હુમલો કરવાની ઘટના
પ્રકાશમાં આવી છે. ઘાયલ માતા- પુત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ
મામલે યુવાન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સોનારડા
ગામમાં રહેતો યુવાન નરેશ જયંતીભાઈ વાઘેલા મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
તે અને તેની માતા એકલા જ રહે છે ત્યારે ગુરૃવારના સાંજના સમયે તે ઘરે હાજર હતો તે
વખતે તેમના જ મહોલ્લામાં રહેતો હિરેન ઉર્ફે ભમો ખોડાભાઈ મકવાણા જે દારૃ પીવાની
ટેવવાળો હોવાથી નરેશ પાસે ઉછીના રૃપિયા માગ્યા હતા. જોકે નરેશે તેની પાસે રૃપિયા
નહીં હોવાનું કહેતા ઉશ્કેરાઈ ગયો હતો અને તેના ઘરે ગયો હતો ત્યારબાદ લોખંડની કોસ
લઈને આવ્યો હતો નરેશને જેમ ફાવે તેમ ગાળો બોલીને તેના હાથમાં રહેલી કોસ વડે હુમલો
કરી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. આ ઘટનાને પગલે તેની માતા પુષ્પાબેન છોડાવવા
માટે વચ્ચે પડતા તેની ઉપર પણ હિરેને હુમલો કરી દીધો હતો. બંને જણા ઘાયલ થયા હતા
જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી
વાહનમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ ઘટના
અંગે ડભોડા પોલીસે યુવાન હિરેન મકવાણા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.