Heavy Rain In Kapadvanj : કપડવંજ તાલુકામાં ગુરૂવારે મોડી રાતે સવા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે જાણે નીરમાલીમાં વધુ વરસાદ થતા આસપાસના પાંચ ગામોના રસ્તાઓ ઉપર ચાર ફૂટ પાણી ફરી વળ્યા હતા. જેથી ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. સાવલીનું 999 વીઘાનું મોટું તળાવ ઓવરફ્લો થતા તંત્રની ટીમો ઘટના સ્થળે દોડી હતી. જ્યારે તાલુકામાં બે યુવકો તણાયા હતા જેમનો હજુ પત્તો લાગ્યો નથી. બે પશુઓના મોત તેમજ 10થી વધુ મકાનોને નુકસાન પણ થયું છે. જ્યારે પાંચ ગામના ખેતરો બેટમાં ફેરવાતા પાક નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય છે.
કપડવંજમાં ગુરૂવારની મોડી રાત્રે 2.30થી વરસાદ શરૂ થયો હતો. જે લગભગ સવારે છ વાગ્યા સુધીમાં સવા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે કપડવંજ તાલુકાના નીરમાલી, લાલપુર, આબવેલ, ભોજાના મુવાડા, લાલ માંડવા, શિહોરા તાલપોડા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે વરસાદનું જોર જોતા ભારે વરસાદ પડયો હોવાનું ઉપરોક્ત પાંચ ગામના લોકો દાવો કરી રહ્યા છે. ત્યારે ગામોમાં ચારે તરફ જળબંબાકાર થતા તંત્ર દોડતું થયું હતું. કપડવંજ તાલુકાના સાવલીનું 999 વિઘાનું વિશાળ તળાવ ઓવરફ્લો થતાં તાલુકા વિકાસ અધિકારી, નાયબ કલેકટર, મામલતદાર ટીમ તેમજ પોલીસનો કાફલો 10 ગાડીઓ ભરીને ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઉપરાંત નીરમાલી ગામની દુધની ડેરીથી જલારામ નગર તરફના રોડ ઉપર ચાર ફૂટ પાણી ભરાઇ જવા સાથે આસપાસના ખેતરોમાં બેટમાં ફેરવાતા ખેતરોમાં પાકમાં પાણી ફરી વળ્યા હતા. ઉમિયા નગરથી લાલ માંડવા, શિહોરા, ભોજાના મુવાડા તાલપોડા તરફના રસ્તા ઉપર ચાર ફુટ જેટલા પાણી ભરાઈ જવાના પરિણામે રસ્તા બંધ કરાતા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. અલવા પંચાયતના રાયણના મુવાડાના ખારવામાં બે યુવકો (1) રાઠોડ રોનકકુમાર નટુભાઈ (2) કેતનકુમાર મુકેશભાઈ રાઠોડ ભારે વરસાદને કારણે ખારવામાં પાણીનું વહેણ ગરનાળા ઉપર વહેતું હોવાથી પગ લપસી જવાથી તણાયા હતા. જેમાંથી રોનકનો મૃતદેહ મળ્યો હતો જ્યારે અન્ય યુવકની શોધખોળ શરૂ છે.
આબવેલ, અબોચ, સોરણા તોરણા વિસ્તારમાં મકાનોને નુકસાન થયું છે. જ્યારે રમોસડી તથા નિરમાલીમાં બે પશુ તણાતા મોત નિપજ્યા છે. બીજી તરફ નીરમાલી સહિત આસપાસના પાંચ ગામોના ખેતરોમાં મગફળી, કપાસ, શાકભાજી, અડદ, પપૈયા, દિવેલામાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જાય જવાનો ખેડૂતોને ભય છે.