– વર્ષ 2021 માં કલેક્ટર કચેરીએ અરજી કરી હતી
– જમીન પર કબજો કરી પરિવારને ધાક ધમકી આપતા હોવાની રજૂઆત બાદ ફરિયાદ
આણંદના કહાનોદાસનો ટેકરો ખાતે ગોકુલ બંગલામાં રહેતા રાજ દિપકભાઈ ગાંધીના માતા મનીષાબેન ઉર્ફે પ્રજ્ઞાાબેનને આણંદ સીમમાં આવેલી જમીનોનો રશ્મિકાંત અરવિંદભાઈ શાહના કુલમુખ્તિયાર દિપકકુમાર જમનાદાસ ગાંધીએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેના આધારે મનીષાબેન ઉર્ફે પ્રજ્ઞાાબેનનું નામ ૭/૧૨માં ચઢેલું અને બાદમાં વારસાઈ હક્કે રાજ ગાંધી તેમજ તેમના ભાઈ તેજનું નામ ચાલે છે અને દસ્તાવેજ બાદ આ જમીનનો કબ્જો તેમનો હતો. જે વર્ષ ૨૦૧૫માં અશોકભાઈ હરમાનભાઈ ચાવડા, રેવાબેન હરમાનભાઈ ચાવડા, તારાબેન હરમાનભાઈ ચાવડા અને મણીભાઈ શનાભાઈ ચાવડા તથા તેમના પુત્રોએ ધાક-ધમકી આપી ગાંધી પરિવાર પાસેથી કબ્જો પડાવી લીધો હતો. બીજી તરફ વર્ષ ૨૦૧૪માં આ જમીનો અંગે અશોકભાઈ ચાવડા તથા તેમના વારસદારોએ રશ્મિકાંત અરવિંદભાઈ, સુવાસબેન જયેશભાઈ પટેલ તથા પ્રજ્ઞાાબેન વિરૂદ્ધ સિવિલ કોર્ટ, આણંદમાં દસ્તાવેજ રદ કરવા તથા મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કર્યો હતો. જે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. સાથે સાથે રશ્મિકાંત અરવિંદભાઈ શાહના કુલમુખત્યાર દિપકભાઈ જમનાદાસ ગાંધીએ સામાવાળા મણીબેન શનાભાઈ ચાવડા તથા અશોકભાઈ હરમાનભાઈ ચાવડા વિરૂદ્ધ રસ્તાના હક્ક બાબતે સિવિલ કોર્ટ, આણંદમાં દાવો કરેલો છે, જે હાલ કોર્ટમાં પેન્ડીંગ છે. દરમિયાન આ જમીનના હક્ક કબ્જા માટે રાજ દિપકભાઈ ગાંધી સહિતના પરિવારજનો આ શખ્સોને મળવા જતા, ત્યારે આ તમામ શખ્સો ધાક-ધમકીઓ આપતા હતા. જેથી રાજ ગાંધીએ ગત તા.૨૫મી જુલાઈ, ૨૦૨૧ના રોજ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટિમાં અરજી કરી હતી. જે અરજી ચાલી જતા ગત તા.૨ માર્ચ, ૨૦૨૩ના રોજ આખરી હુકમ થયો હતો. જે મુજબ, જમીન પચાવી પાડી હોવાનું ખુલતા જિલ્લા કલેક્ટરના આદેશથી આણંદ શહેર પોલીસે અશોકભાઈ હરમાનભાઈ ચાવડા, રેવાબેન હરમાનભાઈ ચાવડા, તારાબેન હરમાનભાઈ ચાવડા અને મણીભાઓઈ શનાભાઈ ચાવડા તથા તેમના પુત્રો વિરૂદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.