– ચોમેર ‘ગણપતિ બાપા મોરિયા’નો ગગનભેદી જયઘોષ ગુંજ્યો
– ઢોલ, નગારા, શરણાઈ, બેન્ડ અને ડીજેના સંગાથે ગણપતિ બાપાના આગમનના વધામણા : ધર્મમય માહોલ છવાયો
વૈદિક કેેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થી ગત તા.૬ ને શુક્રવારે શરૂ થઈને તા.૭ ને શનિવારે સાંજ સુધી રહેેલ જેથી સ્થાનિક અનેક ગણેશોત્સવના આયોજકો દ્વારા શુક્રવારે મોડી સાંજે અને અનેક સ્થળોએ શનિવારે ગણેશચતુર્થીએ આગમનની શોભાયાત્રા યોજાઈ હતી.જે વાજતે ગાજતે ધામધૂમથી સ્થાનિક મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી. ઉદય તિથિ અનુસાર તા.૭ ને શનિવારથી આ ૧૦ દિવસીય ગણેશોત્સવનો ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત રીતે ધામધૂમથી શુભારંભ થયો હતો.મહારાષ્ટ્રમાંથી પ્રેરણા લઈને ગોહિલવાડમાં શરૂ થયેલી ગણેશોત્સવની પરંપરા મુજબ ભાવનગર શહેરમાં પણ અનેક સ્થળોએ પંડાલમાં અલગ અલગ રંગ અને થીમ પર આયોજન, ડેકોરેશન કરાયા હતા. એટલુ જ નહિ ગણેશોત્સવની શોભાયાત્રા પણ મહારાષ્ટ્રીયન સ્ટાઈલ અનુસાર વિશેષ થીમ પર નીકળી હતી. ભાવનગર શહેરમાં ક્રેસંટ, ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, રૂપાણી સર્કલ, રૂપાણી દિવડી, પાનવાડી, વડવા, કણબીવાડ, વાઘાવાડી રોડ, પીરછલ્લા વોર્ડ સહિતના તમામ રહેણાંકીય વસાહતોમાં શેરીઓ, મહોલ્લાઓમાં ધામધૂમથી ગણેશોત્સવનો પ્રારંભ કરાયો હતો. અને ઠેર ઠેર વિઘ્નહર્તા ગણેશજીના આગમનના હરખભેર વધામણા કરવામાં આવ્યા હતા આ સાથે ચોમેર જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા અને ગણપતિબાપા મોરીયાનો ગગનભેદી જયઘોષ ગૂંજી ઉઠયો હતો.