– યુવાનને વિશ્વાસમાં લઇ ગઠિયાએ રજિસ્ટ્રેશન કરવી લીધું
– ટેલિગ્રામ આઇડી ઉપર યુવાનનો સંપર્ક કરી અલગ અલગ ટાર્ગેટ આપી યુપીઆઈ આઈડી મારફત 4.68 લાખ ટ્રાન્સફર કરાવી લીધા
આ બનાવની જાણવા મળતી વિગત અનુસાર મહુવાના વાઘનગર ગામમાં રહેતા અને કોહિનૂર ફૂડ ઇન્ડસ્ટ્રીમાં માર્કેટિંગ પ્રોડક્ટ નું કામ કરતા યુવાન કેતનભાઈ લાખાભાઈ ક્ળસરિયાના ટેલિગ્રામ એકાઉન્ટમાં ગત તા.૦૮ મે ૨૦૨૪ ના રોજ સુમી સરકાર નામના આઈ.ડી.માંથી મેસેજ આવ્યો હતો કે,એપબોટ નામની કંપનીમાં અમે પાર્ટ ટાઈમ જોબ આપીએ છીએ.કેતનભાઈએ ગૂગલમાં સર્ચ કરી કંપની વિશે માહિતી મેળવ્યા બાદ ઓનલાઈન જોબ માટે તેમણે મેસેજ કરનાર આઈ.ડી.માં જવાબ આપી કામ કરવા તૈયારી દર્શાવી હતી.ત્યારબાદ અલગ-અલગ આઈ.ડી.પરથી કંપની વિશ્વાસુ હોવાનો મેસેજ મોકલી કેતનભાઈને વિશ્વાસમાં લઈને કંપનીમાં રજિસ્ટ્રેશન કરી તેઓએ જણાવેલ વેબસાઈટ ઉપર લોગીન થઈ કામ શરૂ કરી અલગ અલગ વેબસાઈટની એપ્લિકેશનમાં ફાઇવ સ્ટાર રેટિંગ આપી સબમીટ કરતા અલગ અલગ ટાર્ગેટ આપી તેમના એકાઉન્ટમાંથી યુપીઆઈ આઈડી ઉપર કુલ રૂ.૪,૬૮,૩૭૭ ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.કંપનીમાં ઓનલાઇન કામ કરાવવાના બહાને પોતાની સાથે છેતરપિંડી અને ઠગાઈ થઈ હોવાનું જણાતા કેતનભાઇ કળસરિયાએ સ્ટેટ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરના હેલ્પલાઇન નંબર ઉપર ઓનલાઇન ફરિયાદ નોંધાવ્યા બાદ તેમણે મહુવા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેલિગ્રામ આઈડીના ખાતાધારકો મળી કુલ આઠ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.