back to top
Homeભાવનગરભાવનગરમાં ભાદરવો ભરપૂર : શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ, સિહોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ભાવનગરમાં ભાદરવો ભરપૂર : શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ, સિહોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

Rain in Bhavnagar : શ્રાવણ પછી ભાદરવામાં પણ મેઘરાજા ગોહિલવાડ પર મન મુકીને વરસી રહ્યાં છે. શહેર અને જિલ્લામાં શુક્રવારે પણ બપોર બાદ વરસાદનો ક્રમ જળવાયો હતો. ભાવનગર શહેર અને જિલ્લાના પાંચ તાલુકાઓમાં આજે વરસાદી માહોલ રહ્યો હતો. શહેરમાં આજે આખો દિવસ તડકો અને વાદળછાયું મિશ્ર વાતાવરણ રહ્યાં બાદ સમીસાંજે વરસાદી માહોલ જામ્યો હતો. શહેર ઉપરાંત જિલ્લાના સિહોરમાં સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ઉપરાંત સિહોરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. સિહોર ઉપરાંત જેસરમાં એક ઈંચ, મહુવામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો તથા પાલિતાણા અને ઘોઘા પંથકમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો.

શ્રાવણ પછી ભાદરવા માસમાં પણ મેઘરાજા ગોહિલવાડ પર મહેરબાન બન્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં શુક્રવારે પણ બપોર બાદ વરસાદનો ક્રમ જળવાયો હતો. ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું અને તડકાવાળું મિશ્ર વાતાવરણ રહ્યાં બાદ સમીસાંજે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. સાંજના સમયે શહેરમાં મેઘરાજાની એન્ટ્રીથી શહેરના માર્ગો પણ પાણી ભરાયા હતા અને ઓફિસથી ઘરે જઈ રહેલા લોકો તેમજ ગણેશચતુર્થીની પૂર્વસંધ્યાએ ખરીદી કરવા નિકળેલા લોકો અટવાયા હતા. 

રાત્રિના 8 કલાક સુધીમાં શહેરમાં અડધો ઈંચ (16 મિ.મી.) વરસાદ નોંધાયો હતો. આજે મહત્તમ તાપમાન ૦.6 ડિગ્રી ઘટીને 32.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન ૦.2 ડિગ્રી ઘટીને 25.2 ડિગ્રી નોંધાયું હતું. પવનની ઝડપ 8 કિમી પ્રતિકલાકની રહી હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 79 ટકા નોંધાયું હતું. જોકે સાંજના સમયે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેર ઉપરાંત  જિલ્લાના ઘોઘા, સિહોર, પાલિતાણા, મહુવા અને જેસર એમ પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો છે. 

સિહોરમાં શુક્રવારે સાંજના 7 કલાક પછી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે, મોટા સુરકા, સોનગઢ, જીંથરી, વડીયા, ઉસરડ, સાગવાડી સર, જાંબાળા, કાઝાવદર, દેવગાણા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિના 8 કલાક સુધીમાં સિહોરમાં અડધો ઈંચ (15 મિ.મી.) વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જેસરમાં એક ઈંચ (29 મિ.મી.), મહુવામાં અર્ધો ઈંચ (11 મિ.મી.), ઘોઘામાં પાંચ મિ.મી. અને પાલિતાણામાં 6 મિ.મી. વરસાદ નોંધાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments