– બે વખત માલ મંગાવી ચુકવણું કર્યા બાદ વેપારીની નિયત બગડી
– બિલના ચૂકવવાના પેટે લખી આપેલ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરાવી અમદાવાદના વેપારીએ માત્ર વાયદા આપ્યા
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ બોટાદમાં પાળીયાદ રોડ પર આવેલ ગણેશ સોસાયટી, અંકુર હોસ્પિટલ પાસે રહેતા અને બોટાદ ખાતે પાર્શ્વનાથ ટ્રેડિંગ કંપની નામની હોલસેલની દુકાન ધરાવતા પારસભાઈ કાંતિલાલ ગાંધીના દિકરા જીતુભાઈ ગાંધી ઉપર ગત મે મહિનામાં એસ. જે એન્ટરપ્રાઇઝ અમદાવાદના પ્રિત શૈલેષભાઈ જોશી નામના શખ્સે ફોન કરીને ડયુરાસેલ પાવરના ૮૦ કાર્ટૂન, કિં. રૂા.૭,૭૭,૬૨૨નો ઓર્ડર આપ્યો હતો. આ માલ મોકલી આપતા તેમણે બેંક મારફત તેનું પેમેન્ટ મોકલી આપ્યું હતું. ત્યારબાદ ફરી શખ્સે ડયુરાસેલ પાવરના ૧૦૦ કાર્ટુન (કિં.રૂા.૯,૭૨,૦૨૭) ફોન કરી મંગાવ્યા હતા. જે માલ મોકલ્યા બાદ તેની રકમ તેમણે તા.૧૦/૦૬/૨૪ ના રોજ ચૂકવી આપી હતી. આજ દિવસે પ્રિત જોશીએ ફરી ડયુરાસેલ પાવરના ૨૦૦ કાર્ટુનનો ઓર્ડર આપ્યો હતો, આથી જીતભાઈએ તેમના પિતા પારસભાઈ ગાંધીને વાત કરતા તેમને મોટી રકમનો ઓર્ડર હોવાથી ૩૦ ટકા રકમ એડવાન્સ માંગવા જણાવ્યું હતું. જીતભાઈએ ફોન કરીને પ્રિત જોશી પાસે રૂપિયા પાંચ લાખ એડવાન્સ માંગતા તેમણે એડવાન્સ રકમ આપવાની ના કહીં હતીફ આથી જીતભાઈએ અમદાવાદ ભાવનગર રોડ કાર્ગો અસલાલી ખાતેથી ૧૦૦ પેટી માલ (કિં.રૂા.૯,૭૨,૦૨૭) મોકલી આપ્યો હતો. આ રકમ અંગે જીતભાઈએ ઉઘરાણી કરતા પ્રિત જોશીએ ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેન્કનો તા.૧૬/૦૬/૨૦૨૪ના રોજનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં રજૂ કરતા બેંક તરફથી જવાબ મળ્યો હતો કે, ચેક લખનાર વ્યક્તિએ પેમેન્ટ સ્ટોપ કરાવેલ છે. ત્યારબાદ પ્રિત જોશી પાસે અવારનવાર ઉઘરાણી કરતા તેઓ માત્ર વાયદાઓ આપતા હોય વેપારીને તેની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાનું જણાતા પારસભાઈ કાંતિલાલ ગાંધી (રહે, બોટાદ)એ પ્રિત શૈલેષભાઈ જોેશી ( રહે. સેવાલી સોસાયટી, તુલસી વન સોસાયટીની બાજુમાં, જીવરાજ વેજલપુર રોડ, અમદાવાદ ) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.