Food Oil Price Hike : દેશભરમાં આજે લોકો ગણેશોત્સવ ઉજવી રહ્યાં છે. જોકે, બાપ્પાના આગમનની સાથે ગુજરાતમાં મોંઘવારીનો પણ પ્રવેશ થઈ ચુક્યો છે. તહેવારમાં ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે, પરંતુ આ વખતે ઘરોમાં આ વાનગીનું પ્રમાણ ઓછું થઈ શકે છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેનાથી તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. બજારમાં આજે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ભડકો મુકાયો છે.
કેટલો થયો વધારો?
છેલ્લાં બે દિવસમાં જ કપાસિયા તેલનો ભાવ 70 રૂપિયા સુધી વધી ગયો છે. બીજી બાજુ સીંગતેલના ભાવમાં પણ 60 રૂપિયાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં પડેલાં ભારે વરસાદના કારણે મિલોને કાચો માલ ન મળતાં પિલાણ ઘટ્યું છે. જેના કારણે તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
મહિનો
ભાવમાં વધારો
7 સપ્ટેમ્બર
70 રૂપિયાનો વધારો
29 જુલાઈ
80 રૂપિયાનો વધારો
16 જુલાઈ
40 રૂપિયાનો વધારો
4 જુલાઈ
70 રૂપિયાનો વધારો
29 જૂન
30 રૂપિયાનો વધારો
5 મે
10 રૂપિયાનો વધારો
આ પણ વાંચોઃ ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતાં હડકંપ, તપાસનો ધમધમાટ શરુ
ખેડૂતોને થયું નુકસાન
સારા વરસાદની સંભાવનાએ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારના ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ, સતત વરસી રહેલાં વરસાદે પાક પર પણ પાણી ફેરવી નાંખ્યું. મગફળીના પાકમાં મુંડા આવવાના કારણે તેમાં પીળાશ પડવા લાગી અને ઘણો ખરો પાક નષ્ટ થઈ ગયો. મગફળીના પાકમાં થયેલા નુકસાનના કારણે ખેડૂતોને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ બજારમાં માંગ સામે પુરવઠો ન મળતાં તેલના ભાવમાં વધારો નોંધાયો છે.