રૂ. 3.50 કરોડનું એસ્ટોટર્ફ હોકી ગ્રાઊન્ડ, પણ કોચનો અભાવ : સૌરાષ્ટ્રના જુદા-જુદા પાંચ જિલ્લામાં 285 કોલેજોનું જોડાણ ધરાવતી યુનિ.નો નિરસ ખેલકૂદ ઉત્સવ; બહેનોની હોકી સ્પર્ધામાં માત્ર 7 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આંતર કોલેજ રમતોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૬ જિલ્લાની અંદાજે 285 કોલેજનાં વિદ્યાર્થીઓ માટની આ આંતર કોલેજ રમતોત્સવની ટૂર્નામેન્ટ ખેલાડીઓનાં અભાવે જાણુ શુષ્ક બની રહી છે. આજે સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસનાં એસ્ટ્રોટર્ફ હોકીનાં ગ્રાઊન્ડમાં ભાઈઓની હોકી ટૂર્નામેન્ટમાં માત્ર ચાર કોલેજનાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગઈકાલે બહેનોની હોકી સ્પર્ધામાં માત્ર 7 કોલેજોની ટીમનું પ્રતિનિધિત્વ અત્રે અહી જોવા મળ્યું હતું.
ભારતીય હોકી ટીમ વિશ્વકક્ષાએ દેશનું ગૌરવ વધારી રહી છે ત્યારે બીજી બાજુ ગુજરાતમાં કલેજકક્ષાએ હોકીની રમત પુરતા મેદાનો અને કોચના અભાવે જાણે કથળી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે.સૌરાષ્ટ્ર યુનિ. સાથે સંલગ્ન આંતરકોલેજ રમતોત્સવમાં કોઈ પણ ઈવેન્ટમાં ત્રણ સ્પર્ધકો હોય તો જ એ ઈવેન્ટની સ્પર્ધા થઈ શકે તેવો નિયમ રહ્યો છે. અલબત આજે હોકીની આંતરકોલેજ સ્પર્ધામાં રાજકોટની બે અને બહારગામની બે મળી કુલ ચાર ટીમો વચ્ચેની ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટસ કોમ્પલેકસમાં રૂ.૩.પ૦ કરોડનાં ખર્ચે એસ્ટોટર્ફ હોકીનું ગ્રાઊન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું હોકીનું મેદાન અન્ય કયાંય જોવા મળતું નથી. હોકીનાં મેદાનની નજીક રૂ.દોઢ કરોડનો અને સ્પોર્ટસની હોસ્ટેલ સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંતુ યુનિ. પાસે હોકીની રમતનાં સ્પેશ્યલ કોચ નથી તેથી હોકીની રમતમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરવાનું કામ મુશ્કેલ છે. યુનિ.માં શારીરિક શિક્ષણ નિયામકની કાયમી જગ્યા લાંબા સમયથી ખાલી હોવાને લીધે રમત-ગમતની સ્પર્ધાઓમાં ખેલાડીઓની જે શક્તિ અને કૌશલ્ય વિકસવા જોઈએ તેનાં પ્રત્યે ધ્યાન અપાતું નથી. કાર્યકારી શારીરિક શિક્ષણ નિયામક પ્રો. હરીશ રાબા જણાવે છે કે યુનિ. પાસે જે એસ્ટોટર્ફ હોકીનું ગ્રાઊન્ડ છે તેના ઉપર આગામી દિવસોમાં ઈન્ટરનેશનલ હોકી પોલીસ ટૂર્નામેન્ટ રમાવવાની છે. વર્ષ 2029 માટે આ ટૂર્નામેન્ટ ફાળવવાનો નિર્ણય થયા છે પરંતુ યુનિ. સાથે સંલ્ગન કોલેજોમાંથી હોકીનું પ્રતિનિધિત્વ ઘટતું જાય છે જે બાબત ચિંતાજનક છે. આજે ભાઈઓની હોકી સ્પર્ધામાં રાજકોટની ડી.એચ. કોલેજ ચેમ્પિયન અને અમરેલીની કામાણી સાયન્સ કોલેજ રનર્સઅપ થઈ હતી.