Ganesh Chaturthi 2024: સુરત સહિત સમગ્ર ભારતમાં ગઈકાલ શનિવારથી ગણેશોત્સવની ઉજવણી થઈ છે અને ગણપતિ બાપ્પા મોરિયાની ગુંજ સાંભળવા મળે છે તેથી સાથે સાથે હવે વિદેશ ની ગલીઓમાં પણ ગુજરાતીઓ વસવાટ કરે છે તેવા વિસ્તારોમાં પણ ગણપતિ બાપ્પા મોરિયા અડધો લાડુ ચોરીયાની ગુંજ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી જોવા મળે છે. તેમા પણ કેનેડા અને અમેરિકા જેવા દેશમાં વર્ષોથી સ્થાયી થયેલા ગુજરાતીઓ આ તહેવારની ઉજવણી મોટા પાયે કરી રહ્યાં છે.
તહેવારોની ઉજવણી માટે જાણીતા ભારત દેશમાં જ પરંપરાગત તહેવારની ઉજવણી થાય ચે તેવું રહ્યું નથી સાત સમંદર પાર એવા દુનિયાના અન્ય દેશો જેમાં ગુજરાતીઓ વસવાટ કરે છે તેમાં પણ હવે ભારતીય તહેવારોની ઉજવણી દબદબાભેર થઈ રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતથી અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વસવાટ કરનારા ગુજરાતીઓ પોતાના શહેરને પણ ગુજરાત બનાવી તહેવારની ઉજવણી કરી રહ્યાં છે. સુરત સહિત દેશ અને હવે વિદેશમાં પણ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે.
વિશ્વના જુદા જુદા દેશોમાં સ્ટડી કે નોકરી ધંધા માટે સ્થાયી થયેલા ગુજરાતી ભારતીય ઉત્સવની ઉજવણી હવે ભારતની જેમ જ કર્મભૂમિમાં કરી રહ્યાં છે તેના કારણે વિદેશમાં રહેતા ભારતીયો હવે એક બીજાને મળીને ઉત્સવમાં ભેગા થઈ રહ્યા છે. બાળ ગંગાધર ટીળકે આઝાદી માટે ભારતીય ને ભેગા કરવા માટે સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરી શરુ કરી હતી હવે વિદેશમાં રહેતા ભારતીયો આ ઉત્સવથી વિદેશની ધરતી પર ભેગા મળી રહ્યા છે.
કેનેડાના યુવાનોએ ભારત વર્લ્ડ કપ જીતે તો વર્લ્ડ કપની થીમ પર ગણેશોત્સવની માનતા રાખી હતી તે પૂરી કરી
સુરતથી અભ્યાસ તથા નોકરી માટે કેનેડાના ટોરેન્ટો માં સ્થાયી થયેલા અંકિત પટેલ, મિલન પ્રજાપતિ, રવિ કડીવાલા, હર્ષ કાપડીયા, ભૌમિક વૈદ્ય અને સ્વપ્નીલ એક ઘરમાં રહે છે. ત્રણ વર્ષથી તેઓ ગણપતિ બાપા ની સ્થાપના કરે છે. 2024 વર્લ્ડકપ ફાઈનલ મેચ હતી ત્યારે રસાકસી ચાલતી હતી ત્યારે આ યુવાનોએ ભારત ફાઇનલ મેચ જીતે તો વ્લર્ડ કપ ની થીમ સાથે બાપ્પાની સ્થાપના કરીશું તેવી માનતા લીધી હતી. ભારત વર્લ્ડ કપ જીતી ગયું અને તેના કારણે આ વર્ષે આ યંગસ્ટર્સે પોતાના જ ઘરમાં પોતે જ ડેકોરેશનનો સામાન લાવીને બાર્બાડોઝ નું સ્ટેડિયમ બનાવી ગણેશજીની સ્થાપના કરી છે. આ ઘરમાં માત્ર છોકરાઓ જ રહે છે તેમ છતા બાપા ની સ્થાપના બાદ તમામ દસ દિવસ સવાર સાંજ આરતી-પૂજા સાથે ભગવાનને થાળ પણ ધરાવવામાં આવે છે.
22 વર્ષથી કેનેડાના સ્ટોફવિલે માં રહેતા મહેતા પરિવાર ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા ની સ્થાપના કરે છે
દક્ષિણ ગુજરાતના બિલ્લીમોરા થી કેનેડાને સ્ટોફવિલેમાં સ્થાયી થયેલા મહેતા પરિવારના ઘરે દરેક ભારતીય તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજીવ- હિરલ મહેતા 22 વર્ષથી કેનેડામાં રહે છે તેમના બાળકોનો જન્મ પણ કેનેડાની ધરતી પર થયો છે તેમ છતા બાળકોને સંસ્કાર ભારતીય જ રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જ ઘરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા આ પરિવાર સ્થાપના કરે છે. તેમના બાળકો શિવ અને રિયા તેઓ પણ બાપ્પાની પુજા અને આરતી કરે છે તેઓને ગુજરાતી બોલવામાં થોડી મુશ્કેલી પડે છે પરંતુ તેઓ તહેવારની ઉજવણી સંપૂર્ણ ભારતીય રીતે કરી રહ્યાં છે.
અમેરિકાના કોનેલી સ્પ્રિંગમાં રહેતા પટેલ પરિવાર 2013થી ગણેશજીની સ્થાપના કરે છે
વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સુરતના પટેલ પરિવારે અમેરિકા જેવા દેશમાં પણ ભારતીય પરંપરા અને તહેવારની ઉજવણી યથાવત રાખી છે. રિંકુ પટેલ, કાંતાબેન પટેલ અને ઉષાબેન પટેલ તથા તેમનો પૂરો પરિવાર ગણેશ ઉત્સવ દરમિયાન ભેગા મળીને ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરે છે. પહેલા શહેરના અન્ય પરિવાર ગણેશજીની સ્થાપના કરતા હતા ત્યાં આ પરિવાર દર્શન કરવા જતા હતા પરંતુ 2013થી તેઓ પોતાના જ ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે અને વિસર્જન પણ ઘરે જ કરે છે. આ તહેવારના દિવસોમાં ઘરના બધા સભ્યો આરતી અને પુજા હોય તે સમય દરમિયાન અચુક સાથે હોય છે અને સુરતમાં ગણેશ ઉત્સવ ની સ્થાપના કરતા હોય તેમ અહીં પણ ઉત્સવની ઉજવણી કરવામાં કોઈ કચાસ રાખતા નથી.
ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતિ પરિવારો જાતે જ શ્રીજીની પ્રતિમા બનાવે છે
સુરત અને ગુજરાત થી ઓસ્ટ્રેલિયાના બિસબેન શહેરમાં રહેતા ગુજરાતી પરિવારે માટે ગણેશ ઉત્સવ પહેલાનો વીક એન્ડ ભેગા થવાનો ઉત્સવ પણ બની જાય છે. આ શહેરમાં રહેતા ગુજરાતી પરિવારોએ બાળ ગંગાધર ટીળકની કલ્પનાને વિદેશમાં સાકાર કરી છે. નોકરી ધંધા માં વ્યસ્ત પરિવારે એક બીજાને મળી રહે તે માટે ગણેશ ઉત્સવના તહેવારને માધ્યમ બનાવ્યું છે. બ્રિસબેનમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારો ગણેશ ઉત્સવ પહેલા એક જગ્યાએ મળે છે અને તેઓ માટીની શ્રીજીની પ્રતિમા પોતે જ બનાવે છે. આમ કરવાથી એક કે બે દિવસ તેઓ સાથે રહે છે અને યુનિટી પણ થાય છે. પોતે બનાવેલી શ્રીજીની પ્રતિમા ની સ્થાપના પોત પોતાના ઘરે કરે છે અને પુજા કરે છે. સુરતથી બ્રિસબેનમાં રહેતા કેયુ પટેલ અને પ્રિયંકા પટેલ કહે છે, અમે પાંચ દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરીએ છીએ. ઘરે જ પ્રતિમા બનાવીએ અને શણગાર પણ ઘરે જ કરીએ છીએ. જુદા જુદા લોકો જુદી જુદી કલામાં માહેર હોય છે તેથી બધા ભેગા મળીને આ કામ કરીએ છીએ. આ સાથે બાપ્પાની સ્થાપના અને પુજા પણ જાતે જ કરીએ છીએ. હાલમા અભ્યાસ માટે ગયેલી પર્લ પટેલ પણ આ પરિવાર સાથે ગણપતિ ઉત્સવમાં જોડાઈ છે તે કહે છે, જે રીતે અહી લોકો ભેગા થઈને ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે તે જોઈ ઘણો આનંદ થાય છે અને અહી પણ મીની ગુજરાત હોય તેવું લાગે છે.