Ganesh Chaturthi 2024: સુરત શહેરમાં દબદબાભેર ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે સુરતના કોટ વિસ્તારનો એક એવો ગણેશ મંડપ છે જે છેલ્લા 32 વર્ષથી સવાર સાંજ નક્કી કરેલા એક જ સમયે આરતી કરવા માટે તથા એક જ આરતી જે ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલી આરતી માટે જાણીતો બન્યો છે. આરતીના સમયની નિયમિતતા માટે આ મંડળ જાણીતું છે. શહેરના સલાતબતપુરાના વલ્લભજીવનની ચાલમાં વર્ષ 1978થી ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે અને ગણપતિમાં ભંડોળ ભેગું થાય તો આખુ વર્ષ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ગણેશજીની સાડા ત્રણ ફુટથી ઉંચી પ્રતિમાની સ્થાપના કરવામાં આવી નથી
સુરત શહેરમાં 80 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામા આવી છે. તેમાંથી શહેરના હજારો ગણેશ મંડળો દ્વારા સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. મોટાભાગના ગણેશ મંડળો દર વર્ષે કંઈક યુનિક કરી રહ્યાં છે. પરંતુ શહેરના કોટ વિસ્તારમાં આવેલા સલાબતપુરા વલ્લભજીવનની ચાલમાં 1978થી ગણેશોત્સવની ઉજવણી કરવામા આવે છે. પરંતુ અહીં સાડા ત્રણ ફુટથી ગણેશજીની મોટી પ્રતિમાની સ્થાપના ક્યારેય કરવામાં આવી નથી.
32 વર્ષથી ઉષા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આરતી થાય છે
આ વિસ્તારમાં રહેતા કિરીટ મેઘા વાલાએ જણાવ્યું હતું કે, ‘વર્ષોથી એક જ પ્રણાલીમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1992 પહેલા અમારે ત્યાં આનંદ મંગલ કરૂ આરતી નામની આરતી ગવાતી હતી. પરંતુ 1990 બાદ આવેલા ઓડિયો કેસેટના જમાનામાં ઉષા મંગેશકરના અવાજમાં ગણશજીની આરતી આવી હતી. જેમાં બાપ્પા મોરિયા… શબ્દની આરતી હતા તે આરતી બધાં જ લોકોને ગમી તેથી 1992થી અત્યાર સુધી આ જ આરતી સવાર સાંજ વગાડવામાં આવે છે. આ આરતી એવી છે કે જે લોકો આરતીમાં જોડાય તે ગણેશમય બની જાય છે.’
કિરીટ મેઘા વાલાએ જણાવ્યું હતું કે, ‘ગણેશોત્સવ દરમિયાન બાપાની ભક્તિ ભાવથી બધા જ લોકો કરે છે અને અમારે ત્યાં જે ફાળો ભેગો થાય છે. તેમાથી વર્ષ દરમિયાન અમે અનેક સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ.’
વલ્લભજીવનની ચાલમાં જે.જે.યુવક મંડળ આયોજિત સાર્વજનિક ગણપતિ ઉત્સવની ખાસિયત એવી છે કે અહી આરતીનો સમય નક્કી છે. કોઈ મહાનુભાવો આવવાના હોય તો તેમના સમયની નહીં. પરંતુ નક્કી કરેલા સમયે જ આરતી કરી દેવામાં આવે છે.
એક ચોક્કસ નિર્ધારિત સમયે ગણેશજીની આરતી થાય છે
ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધી એક ચોક્કસ નિર્ધારિત સમયે ગણેશજીની આરતી થાય છે. સવારે 8:30 વાગ્યે અને રાત્રે 8:30 વાગ્યે બાપ્પાની આરતી શરુ કરી દેવામા આવે છે. આરતી નિર્ધારિત સમયે થાય તે માટે ગણેશ મંડપમાં ઘડિયાળ પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત વધુ પડતો ભડકો કરવાના બદલે બાપાની શ્રદ્ધા પૂર્વક પૂજા કરીને બે ફાળો ભેગો થયો હોય તેમાંથી સફાઈ કર્મચારીઓ મહિલાઓને સાડી આપવી, બ્લડ કેમ્પ કરવા જેવી પ્રવૃત્તિ સાથે સાથે રાષ્ટ્રીય તહેવારોની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. આ તહેવારને કારણે આ મહોલ્લાના લોકોની એકતા પણ યથાવત રહેતી હોવાનું આ લોકો માની રહ્યા છે.