– મૂળ યુ.પી,ના રાજાબાબુ પટેલ પાસેથી એસઓજીને લોડેડ તમંચો, પાંચ જીવતા કારતુસ પણ મળ્યા
– સેફટી માટે હથિયાર રાખ્યું હોવાની કેફીયત
સુરત, : સુરતના પાંડેસરા ડીમાર્ટ નજીક મધરાત બાદ શોટગન લઈ ફરતા લબરમુછીયાને એસઓજીએ ફિલ્મી ઢબે ઝડપી પાડી તેની જડતી લેતા તેની પાસેથી લોડેડ તમંચો અને પાંચ જીવતા કારતુસ પણ મળ્યા હતા.સુરતમાં મજૂરીકામ કરતો લબરમુછીયો સેફટી માટે હથિયારો સાથે રાખતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.
એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ એ.બી.જેબલીયા અને કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમ શુક્રવારે મધરાત બાદ પાંડેસરા ડીમાર્ટ નજીક બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે સર્વિસ રોડ ઉપર પહોંચી ત્યારે ત્યાં એક લબરમુછીયો હાથમાં શોટગન લઈને ફરતો નજરે ચઢ્યો હતો.એસઓજીએ તેને પકડવા પ્રયાસ કરતા તે ભાગ્યો હતો.આથી એસઓજીની ટીમે તેનો પીછો કરી ઝડપી લેતા તેણે પોલીસની પકડમાંથી છૂટવા ઝપાઝપી પણ કરી હતી.જોકે, એસઓજીએ તેને છેવટે ઝડપી પુછપરછ કરતા તેની ઓળખ મૂળ ઉત્તરપ્રદેશ પ્રતાપગઢના વતની અને સુરતમાં ઉધના બમરોલી રોડ હરિધામ સોસાયટી વિભાગ 1 પ્લોટ નં.બી/62 સુનિલભાઈના મકાનના પહેલા માળે રૂમ નં.2 માં રહેતા 21 વર્ષીય રાજાબાબુ સંતોષ પટેલ તરીકે થઈ હતી.
સુરતમાં મજૂરીકામ કરતા રાજબાબુની પાસેથી મળેલી શોટગનની એસઓજીએ તપાસ કરતા તે લોડેડ હતી.એસઓજીને તેની પાસેથી એક લોડેડ તમંચો અને પાંચ જીવતા કારતુસ પણ મળ્યા હતા.એસઓજીએ લોડેડ શોટગન, લોડેડ તમંચો, પાંચ જીવતા કારતુસ અને મોબાઈલ ફોન કબજે કરી રાજાબાબુની પુછપરછ કરતા તેણે પોતાની સેફટી માટે હથિયારો સાથે રાખતો હોવાનું પોલીસને જણાવ્યું હતું.જોકે, તેને કોનાથી ખતરો હતો તે અંગે તેણે એસઓજીને ચોક્કસ જવાબ આપવાને બદલે ગોળગોળ વાતો કરી હતી.એસઓજીએ આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.