Surat Jal Sanchay Jan Bhagidari : સુરતના ઈન્ડોર સ્ટેડિયમથી જળસંચય જનભાગીદારી યોજનાનો પ્રારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરીથી કરાવ્યો હતો. આ પ્રારંભ સાથે વડાપ્રધાને કહ્યું હતું કે, દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે.
સુરત શહેરના અઠવાલાન્સ વિસ્તારમાં આવેલા પાલિકાના ઈન્ડોર સ્ટેડિયમમાં આજે જળશક્તિ મંત્રાલય દ્વારા આયોજીત જળસંચય જનભાગીદારી યોજના માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા. તેમાં 24 મીનીટના ભાષણમાં તેઓએ સમગ્ર અભિયાન અંગેની માહિતી આપી હતી.
વર્ચ્યુઅલ જોડાયેલા વડાપ્રધાન કહ્યું હતું કે, પાણી માત્ર સંસાધનનો પ્રશ્ન નથી પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે. જળસંચય યોજના ને બદલે પુણ્યનું કામ છે. આ દિશામાં જનભાગીદારી થકી જે અભૂતપૂર્વ પરિણામો જોવા મળશે તે આગામી દિવસોમાં દુનિયા માટે ભારત એક ઉદાહરણરૂપ કામગીરી કરશે. ભુતકાળ વાગોળતા તેઓએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ પાણીની સમસ્યા દુર થઈ છે. સરદાર સરોવર ડેમ અને સૌની યોજના તથા નર્મદાના પાણી આજે રાજ્યના છેવાડાના વિસ્તાર સુધી પહોંચ્યા છે.
જળ સંરક્ષણ અંગે કહ્યું હતું કે, આ માત્ર નીતિનો જ નહીં પરંતુ સામાજિક નિષ્ઠાનો વિષય પણ છે અને તેની મુખ્ય તાકાત જનભાગીદારી છે. આપણા દેશમાં જળને ઈશ્વરનું રૂપ કહેવામાં આવે છે અને એટલે જ નદીઓને દેવી અને સરોવરોને દેવાલયનું સ્થાન મળ્યું છે. નદીઓ સાથેના આપણા સંબંધો હજારો વર્ષોથી ચાલી આવ્યા છે. પાણીની સમસ્યા અંગે આપણા પૂર્વજો પણ સચેત હતા અને એટલે જ તેઓને પણ જળ સંરક્ષણનું મહત્વ પણ ખબર હતી.
તેઓએ કહ્યું હતું કે, અગાઉની સરકારોનું જળસંચય લઈને વિઝનનો અભાવ હતો. તેના કારણે કેટલીક સમસ્યા થઈ હતી. બે-અઢી દાયકા પહેલાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાણીની ભારે સમસ્યા થઈ હતી. ક્લાઈમેટ ચેન્જ પડકાર વચ્ચે પાણીની સમસ્યાને ધ્યાને રાખીને જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં માત્ર ચાર ટકા પીવાલાયક પાણી આપણા દેશમાં છે અને દેશના મોટા ભાગના વિસ્તારમાં ભૂગર્ભ જળની સપાટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, કેચ ધ રેઈન કેમ્પેઈન 2021 માં શરૂ કરવામાં આવેલ આ યોજનામાં હવે શહેરો અને ગામડાઓ પણ જોડાઈ રહ્યા છે અને દેશના 140 કરોડ નાગરિકોની ભાગીદારીથી આ યોજના હવે જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે. નલ સે જલ યોજનાના કારણે અગાઉ દેશમાં માત્ર ત્રણ કરોડ ઘરોમાં જ પીવાનું પાણી નળ થકી પહોંચતું હતું. જો કે, નલ સે જલ યોજના પગલે આજે દેશમાં 75 ટકા એટલે કે 15 કરોડ ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોંચી રહ્યું છે. જેને કારણે મહિલાઓ ખાસ કરીને ઉનાળામાં પીવાના પાણી માટે થતી હાલાકી માંથી મુક્તિ મળી છે. તેઓએ લોકોને પણ સમજદારીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
જલ જીવન મિશન થકી દેશમાં લાખો લોકોને રોજગાર મળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આ યોજના માત્ર પાણીના સંરક્ષણ માટે જ નહીં પરંતુ દેશના યુવાઓ માટે પણ મહત્વપૂર્ણ છે. આ યોજના થકી દેશભરમાં લાખો નાગરિકોને રોજગાર મળ્યો છે. ખાસ કરીને યોજનામાં જોડાયેલા એન્જીનિયરો, પમ્બરોથી માંડીને અન્ય યુવાઓને પણ વિશેષ લાભ મળ્યો છે જ્યારે બીજી તરફ આ યોજનાને કારણે અસંખ્ય લોકોને રોજગારની સાથે-સાથે સ્વ-રોજગાર અવસર પણ મળ્યો છે. તેઓએ આગામી સમયમાં ખેતી માટે ડ્રીપ ઈરીગેશન વધુ મહત્વ આપવાની સાથે સાથે પાણીની બચત કરવા અંગે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને જેના થકી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ જણાવ્યું હતું.
વડોદરા દેશનો પહેલો એવો જિલ્લો છે જ્યાં દરેક સરકારી શાળામાં વોટર હાર્વેસ્ટીંગ છે : મુખ્યંમત્રી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાયા હતા તેઓએ કહ્યું હતું કે, રાજ્યમાં સુજલામ સુફલામ યોજના પગલે જળ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે અને આજે વડોદરા દેશનો પહેલો જિલ્લો છે જ્યાં પ્રત્યેક સરકારી શાળાઓમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, એક તબક્કે ગુજરાત રાજ્ય દુષ્કાળ સામે ઝઝમતું હતું. જો કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જળસંરક્ષણ પ્રત્યેની યોજનાઓને કારણે જ આજે રાજ્ય વોટર સિક્યોર સ્ટેટ બન્યું છે. જળસંચય જન ભાગીદારી યોજનાને સફળ બનાવવા માટે તેઓએ રાજ્યના ઔદ્યોગિક એકમો, મહાનગર પાલિકાઓ અને ગ્રામ પંચાયતો સહિત સંસ્થાઓને પણ આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
ગુજરાતની નદીઓ લિંક કરવાની કામગીરી ઝડપથી થઈ રહી છે સી. આર પાટીલ
સુરતના ઈન્ડોર સ્ટેડીયમ ખાતેથી કેન્દ્રીય મંત્રી સી.આર.પાટિલે કહ્યું હતું કે, દેશમાં નલ સે જલ તક યોજનાને કારણે લોકોને ઘણો લાભ થયો છે. આ ઉપરાંત ગુજરાતમાં નદીઓને લિંક કરવાની યોજના છે તે ઝડપથી આગળ વધી રહી છે. નલ સે જલ તક યોજનાના અંગે તેઓએ કહ્યું હતું કે, એક તબક્કે ગામડાઓમાં દુર-દુર સુધી પાણી ભરવા માટે જતી બહેનો હવે ઘરમાં જ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. તેઓએ જણાવ્યું હું કે, આ યોજનાને કારણે મહિલાઓના રોજના 5.5 કરોડ કલાકની બચત થઈ રહી છે આ ઉપરાંત આ યોજનાને કારણે ડાયેરિયા જેવી બીમારીઓથી પણ મોટા પ્રમાણમાં ગ્રામીણોને રાહત મળી છે અને જેના થકી વર્ષે 8.4 કરોડ રૂપિયાની બચત થઈ રહી છે. આ રૂપિયા અન્ય વિકાસ કાર્યોમાં ઉપયોગ થઈ રહ્યો છે. તેમ પણ જણાવ્યું હતું.