પ્રતાપ નગર વિસ્તારમાં આવેલા ટુ વ્હીલરના શો રૂમમાં મોડીરાતે ભીષણ આગ લાગી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. સદનસીબે રાતનો સમય હોવાથી કોઇ જાનહાનિ થઇ નહતી.
ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતાપ નગર સિંધવાઇ માતા રોડ પર ટુ વ્હીલરનો શો રૂમ આવેલો છે. ગઈકાલે મોડી રાતે શો રૂમમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે અંગે ફાયરબ્રેગડને રાતે દોઢ વાગ્યે મેસેજ મળતા ફાયર ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. રાતે દોઢ વાગ્યાથી શરૂ થયેલી આગ બુઝાવવાની કામગીરી વહેલી સવારના સાડા છ વાગ્યા સુધી ચાલી હતી. આગ બુઝાવવા માટે પાણીની 10 ટેન્કર અને ફાયર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાતનો સમય હોવાથી જાનહાનિ થઇ નહતી. પરંતુ, નજીકમાં રહેણાંક વિસ્તાર હોઇ લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા. આગનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.